News of Saturday, 17th May 2025
રાજકોટ જિલ્લામાં દેશસેવા માટે યુવાનોનો ઉત્સાહ : ૩૦ નાગરિકો સિવિલ ડિફેન્સ વોલન્ટીયર બન્યા
જેતપુરના મેવાસા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા નિમણૂક પત્રો એનાયત : આપાતકાલીન પરિસ્થિતિમાં સેવા આપશે

રાજકોટ : રાજકોટ જિલ્લામાં દેશપ્રેમની ભાવના સાથે યુવાનો સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે જોડાઈ રહ્યા છે. જેતપુર તાલુકાના મેવાસા ગામે યોજાયેલા સેવા સેતુ સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં આજે જિલ્લાના પ્રથમ ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિમાં દેશની સેવા કરવા ઇચ્છતા નાગરિકો સિવિલ ડિફેન્સ વોલન્ટીયર બનીને પોતાની સ્વૈચ્છિક સેવાઓ આપી શકે છે. આ યોજનામાં જોડાવા માટે નિયત ફોર્મ અને એકરારનામું જિલ્લા વહીવટી તંત્રને રજૂ કરવાનું હોય છે.
જેતપુરના મેવાસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના શુભ હસ્તે આ ૩૦ નાગરિકોને સિવિલ ડિફેન્સ વોલન્ટીયરના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોંડલના પ્રાંત અધિકારી રાહુલ ગમારાએ જણાવ્યું હતું કે આ તમામ નાગરિકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે અને જરૂર પડ્યે રાષ્ટ્રહિત માટે તેમની સેવાઓ લેવામાં આવશે. તેમણે વધુમાં યુવાનોને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે જોડાઈને દેશસેવામાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
