<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના સંયુકત ઉપક્રમે ૩૧મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

અંદાજે ૧૧ થી ૧૨ આની વર્ષ થવાની આગાહી: વર્ષા વિજ્ઞાનના જ્ઞાનને આધારે પૂર્વાનુમાન કરતા આગાહીકારોને બિરદાવતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે તા. ૧૭/૦૫/૨૦૨૫ના રોજ વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયેલ. જેમાં જુદા જુદા વિસ્તારમાંથી ૪૦ જેટલા આગાહીકારોએ ભાગ લીધેલ. આ પરિસંવાદનું ઉદ્દઘાટન કરતા રાઘવજીભાઇ પટેલ, માન. કેબીનેટ મંત્રીશ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ (ગુજરાત સરકાર) એ જણાવેલ કે ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે. વરસાદનું પૂર્વાનુમાન લોકવાયકાઓ, ભડલી વાકોયો, આકાશમાં બંધાતા કસ, હોળી, અખાત્રીજનો પવનની દિશા વગેરે જોઇને કરવામાં આવે છે. વરસાદની આગાહી પાકોની પસંદગી, વાવેતરનો સમય, પિયત વ્યવસ્થા અને અન્ય ખેતી કાર્યોના આયોજનમાં ખેડૂતોને મદદરૂપ થાય છે. વર્ષા વિજ્ઞાનમાં આ બાબતે વધુ સંશોધન કરવા જણાવેલ. તેમજ જણાવ્યુ કે વરસાદની આગાહી માટેના પરંપરાગત જ્ઞાનનો વારસો ખેડૂતો માટે ઉપયોગી છે તેથી આ જ્ઞાન જળવાઇ રહે તે પણ એટલુ જ જરૂરી છે. કૃષિ મંત્રીએ ગત વર્ષની આગાહી કરનાર આગાહીકારોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ડો. વી.પી.ચોવટીયા, કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢએ જણાવ્યુ કે, દર વર્ષે અખાત્રીજ પછી વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. જેથી અખાત્રીજના પવનને પણ અનુમાન માટે સમાવી શકાય. તેઓએ જણાવેલ કે ગયા વર્ષ (૨૦૨૪)ની આગાહીનું પૃથ્થકરણ કરતા ૨૧ પૈકી પાંચ આગાહીકારોની આગાહી તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ સાચી નીવડેલ જયારે સાત આગાહીકારોની આગાહી જુદા જુદા એક જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લાઓ માટે સાચી પડેલ છે. તેઓએ કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા ૧૫ નવા પ્રોજેકટ અને કૃષિ કોલેજની મંજુરી અને અનુદાન આપવા બદલ માન. કૃષિ મંત્રીનો આભાર વ્યકત કરેલ. તેઓએ જણાવેલ કે પરંપરાગત જ્ઞાનને આધારે આગાહી કરતા આ આગાહીકારો એક વેધર સ્ટેશન સમાન છે. જેથી તેમણે વર્ષા વિજ્ઞાનના પરંપરાગત અને પ્રાચિન જ્ઞાનને જાળવીને આગળ લઇ જવાની હિમાયત કરેલ હતી.

આ પ્રસંગે પૂર્વ કુલપતિ ડો. એ.આર. પાઠકએ જણાવેલ વર્ષા વિજ્ઞાન મંડળનાં પરિસંવાદમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિત રહેલ છે તે ગૌરવ અને આનંદની વાત છે. તેઓએ જણાવેલ ખેડૂતો માટે વરસાદ કયારે અને કેટલો આવશે તેની આગોતરી જાણ થાય તો પાકની પસંદગી અને ખેતી કાર્યોનું આયોજન કરી શકે. આ પરંપરાગત જ્ઞાનને સાચવીને તેનો વારસો આવનારી પેઢીને આપવો જરૂરી છે.

વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય જેરામભાઇ ટીંબડિયાએ પ્રાસંગિક સંબોધન કરતા આગહીકારોના પરંપરાગત આધારની ભૂમિકા આપી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રી સહિતનાં મહાનુભાવો આગામી ચોમાસાના વરતારા માટેના વિવિધ અવલોકનો અને પૂર્વાનુમાનોના સંપૂટનું વિમોચન કર્યુ હતુ.

આ પ્રસંગે વર્ષા વિજ્ઞાન મંડળનાં પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એન.બી. જાદવએ શાબ્દિક સ્વાગત કરેલ હતુ. વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી તથા સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.સી. છોડવડિયાએ આભાર વિધિ કરેલ હતી.
આ કાર્યક્રમ દરમ્યાન કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક ધિમંત વઘાસીયાએ ગત વર્ષે કરેલ આગાહી અને વરસાદના આકડાઓની જાણકારી આપી હતી. ઉપરાંત પરંપરાગત આગાહીકાર હસમુખ નિમાવત અને ભીમાભાઇ ઓડેદરાએ પણ પોતાના અનુમાન રજૂ કર્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામક, કુલસચિવ, આચાર્ય અને ડીનઓ, પ્રાધ્યાપક અને વડાઓ, સંશોધન વૈજ્ઞાનિકઓ, વર્ષા વિજ્ઞાન મંડળનાં ઉપપ્રમુખ ડો. જે.ડી. ગુંદાલીયા, ડો. એચ.એમ. ગાજીપરા, ભૈરવીબેન શાહ, ડો. પી.આર. કાનાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અનુમાન રજૂ કરેલ હતા.     

(7:07 PM IST)