તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 17th May 2025
જામનગરમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી : મચ્છરજન્ય રોગોને હરાવવા જાગૃતિ ફેલાવવામાં આવી
મહાનગરપાલિકા દ્વારા 'તપાસો, સાફ કરો, ઢાંકો' થીમ હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન : શહેરીજનોને તકેદારી રાખવા અનુરોધ

જામનગર : જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુ દિવસની થીમ "Check, Clean, Cover: Steps to defeat Dengue" એટલે કે "ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો" રાખવામાં આવી છે.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. આ હેતુથી જામનગર શહેરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના દરેક અર્બન હેલ્થ સેન્ટર (યુ.એચ.સી.) પર ડેન્ગ્યુ દિવસની ઉજવણીના બેનરો લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા શહેરીજનોને આ રોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, દરેક યુ.એચ.સી. દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકો ઘરે બેઠા જ વાહકજન્ય રોગોને અટકાવવા માટેના પગલાં વિશે જાણી શકે.
શહેરના યુ.એચ.સી. પર લઘુ શિબિર અને ગુરુ શિબિર જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. તારીખ ૧૬-૦૫-૨૫ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી ૯:૦૦ વાગ્યા સુધી રણમલ તળાવના ગેટ નં.૧ ખાતે ડેન્ગ્યુ રોગ અંગે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત નાયબ કમિશનર ડી.એ. ઝાલા દ્વારા લેવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રની દીવાલો પર ડેન્ગ્યુ રોગ અટકાયત અંગેના ભીતચિત્રો બનાવીને લોકોમાં રોગ અટકાયત માટે સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરેક યુ.એચ.સી. પર વાહકજન્ય રોગ અટકાયત અંગેના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં શહેરમાં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ સર્વેની કામગીરી ચાલી રહી છે, જેમાં ૧૩ યુ.એચ.સી.ની ૧૪૦ જેટલી ટીમો દ્વારા દરરોજ આશરે ૧૨૦૦૦ ઘરોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.
મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છરો આપણા ઘરોમાં સંગ્રહિત કરેલા ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા એ મચ્છરના બચ્ચાં છે. આથી, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના ઉપક્રમે જામનગર શહેરની જનતાને જાહેર અનુરોધ કરવામાં આવે છે કે જો પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો તેનો તાત્કાલિક નાશ કરવો. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે શહેરીજનોને નીચે મુજબની તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે:
* પાણી ભરેલા તમામ વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો.
* પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો.
* પાણીના નાના ખાડા-ખાબોચિયાંનું પાણી વહેવડાવી દો અથવા માટીથી પૂરી દો.
* મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાખો.
* અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરો.
* ચોમાસા પહેલાં જ નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પર પડેલો નકામો સામાનનો નિકાલ કરો અને અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો.
* મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે અને ડેન્ગ્યુ તથા ચિકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો.
* મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.
* દર રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મિનિટનો સમય કાઢી પાણીના તમામ પાત્રોની ચકાસણી કરો અને જો તેમાં મચ્છરના પોરા જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે ૧૦:૦૦ મિનિટ ફાળવવાથી આપણા કુટુંબને ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાથી બચાવી શકાય છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
