<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

જામનગરમાં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આંતરરાજ્ય કૌભાંડનો : લાખોનો મુદ્દામાલ જપ્ત : બે મુખ્ય સૂત્રધારો ફરાર : જુઓ વિડિયો

એલસીબીના સપાટો : કનસુમરા નજીક આર્ય એસ્ટેટમાં ચાલી રહેલી ફેક્ટરી પર દરોડો : સ્પીરીટ અને હાનિકારક કેમિકલથી બનતો નકલી દારૂ પકડાયો : ઓલ્ડ મંક અને મેકડોવેલ્સ જેવી બ્રાન્ડના સ્ટીકરોનો ઉપયોગ : ત્રણ આરોપીઓ જેલના સળિયા પાછળ : રાજસ્થાન કનેક્શન ખુલ્યું

 

 

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (એલસીબી) પ્રોહીબિશનના કેસોને નાથવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એલસીબીની ટીમે જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલી "આર્ય એસ્ટેટ"માં ધમધમી રહેલી ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી એક વિશાળ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ફેક્ટરીમાંથી ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે અને આલ્કોહોલ સ્પીરીટ, ભેળસેળ માટે વપરાતા હાનિકારક કેમિકલ, તૈયાર કરેલો ડુપ્લીકેટ દારૂ, બોટલો, સ્ટીકરો, વાહનો અને અન્ય સાધનો મળીને કુલ રૂ. ૮,૨૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે મુખ્ય સૂત્રધારો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની કડક સૂચનાઓને પગલે, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી અને પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા એલસીબી સ્ટાફની ટીમ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન, સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ અને રૂષીરાજસિંહ વાળાને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે કનસુમરા ગામ પાસે આવેલ "આર્ય એસ્ટેટ"માં "ખોડલ કોલ ટ્રેડર્સ" નામના ગોડાઉનમાં કેટલાક શખ્સો ભેગા મળીને આલ્કોહોલ સ્પીરીટ અને હાનિકારક કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવી રહ્યા છે અને તેનું વેચાણ કરી રહ્યા છે.
આ બાતમીને આધારે, એલસીબીની ટીમે તાત્કાલિક "ખોડલ કોલ ટ્રેડર્સ" નામના ગોડાઉન પર છાપો માર્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ઉં.વ. ૪૩), જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉં.વ. ૨૫) અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા (ઉં.વ. ૩૪), જે ત્રણેય જામનગરના રહેવાસી છે, તેઓને ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રક્રિયામાં સંડોવાયેલા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી સ્પીરીટ, ફ્લેવર કલરનું મિશ્રણ, તૈયાર કરેલો ડુપ્લીકેટ દારૂનો જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ, બોટલ પર લગાવવાના વિવિધ બ્રાન્ડના સ્ટીકર, કાળા રંગનું પ્રવાહી, ચાર મોબાઇલ ફોન અને એક ફોરવ્હીલ કાર કબ્જે કરી હતી. આ અંગે અરજણભાઈ કોડીયાતરે ફરિયાદ નોંધાવતા પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયાએ પકડાયેલા ત્રણેય આરોપીઓ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાં કિશનસીંગ શેખાવત (રહે. જયપુર, રાજસ્થાન) નામનો એક શખ્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો, જે સ્પીરીટ લાવીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રક્રિયામાં મદદ કરતો હતો. આ ઉપરાંત, ગજેન્દ્રસિંહ જાડેજા (રહે. જામનગર) નામનો અન્ય એક આરોપી આ ડુપ્લીકેટ દારૂના વેચાણમાં સંડોવાયેલો હતો. હાલમાં આ બંને આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરી રહી છે. આ કૌભાંડના તાર રાજસ્થાન સુધી લંબાયેલા હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
પોલીસે ફેક્ટરીમાંથી જપ્ત કરેલા મુદ્દામાલમાં આલ્કોહોલ સ્પીરીટથી બનાવેલી ઇંગ્લિશ દારૂની ૫૯ બોટલ (કિં.રૂ. ૨૯,૫૦૦/-), આલ્કોહોલ સ્પીરીટ ભરેલા ૪ મોટા બેરલ (લીટર-૮૦૦, કિં.રૂ. ૩,૨૦,૦૦૦/-), ભેળસેળ યુક્ત દારૂ બનાવવા માટેનો કેમિકલ પદાર્થ (લીટર-૪૦, કિં.રૂ. ૮,૦૦૦/-), દારૂમાં રંગ લાવવા માટે વપરાતો કેમિકલ યુક્ત પદાર્થ (લીટર-૧૦, કિં.રૂ. ૨,૦૦૦/-), ફિનાઇલની ૧૨૦૦ બોટલ (કિં.રૂ. ૮૪,૦૦૦/-), એક કાર (કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-), ૪ મોબાઇલ ફોન (કિં.રૂ. ૬૦,૫૦૦/-), દારૂની બોટલ સીલ કરવા માટેના બે લોખંડના શીલ મશીન (કિં.રૂ. ૧૦,૦૦૦/-), દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટેનું આલ્કોહોલ મીટર અને બીકર (કિં.રૂ. ૨,૦૦૦/-), ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી, કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, અને ઓફિસર ચોઇસ વ્હીસ્કીના ૧૦૯૨૦ નંગ ડુપ્લીકેટ સ્ટીકર, પ્લાસ્ટિકની પાણીની બે ટાંકીઓ (કિં.રૂ. ૫,૦૦૦/-), ઇંગ્લિશ દારૂ રાખવા માટેના ૨૨૦ બોક્સ, બોટલના શીલ માટેના ૬૬૦૦ ઢાંકણા, દારૂ ભરવા માટેની ૨૦૦ ખાલી પ્લાસ્ટિકની બોટલો, દારૂ ભરવા માટેના ૨૫૭૫ પ્લાસ્ટિકના પાઉચ અને દારૂની પેટીઓ પર લગાવવાની પ્લાસ્ટિકની સ્ટીકરની ૧૦૦ પટ્ટીઓ મળીને કુલ રૂ. ૮,૨૩,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ સ્પીરીટમાં કેમિકલ અને વિવિધ બ્રાન્ડના ફ્લેવર તથા કલર ભેળવીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રક્રિયા વર્ણવી હતી. તેઓ પાણીની ટાંકીઓમાં આ મિશ્રણ તૈયાર કરતા હતા અને પછી પ્લાસ્ટિકની બોટલોમાં ભરીને તેના પર ઓલ્ડ મંક, મેકડોવેલ્સ વગેરે જેવી જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર લગાવતા હતા. દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે તેઓ આલ્કોહોલ મીટર અને બીકરનો ઉપયોગ કરતા હતા અને ત્યારબાદ મશીનથી બોટલોને સીલ કરતા હતા. આ રીતે તૈયાર કરેલા ડુપ્લીકેટ દારૂનું તેઓ વેચાણ કરતા હતા. આરોપીઓએ છેલ્લા ત્રણ મહિનાથી આ ફેક્ટરી ચાલુ કરી હોવાનું પણ કબૂલ્યું છે અને તેઓ અંદાજે ૨૦૦ લીટર સ્પીરીટમાંથી ફ્લેવર અને કેમિકલ ભેળવીને લગભગ ૬૦૦ બોટલ ડુપ્લીકેટ દારૂ બનાવતા હતા.
વધુમાં, એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે જામનગર શહેરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા દિનેશ ગાલા નામના શખ્સના ઘરેથી પણ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪૮ બોટલ (કિં.રૂ. ૨૪,૦૦૦/-) અને એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૨૯,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. દિનેશની પૂછપરછમાં તેણે આ દારૂનો જથ્થો પકડાયેલા આરોપી અરૂણ સોની પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું છે. આ અંગે પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી અરૂણ સોનીનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે. તેની સામે અગાઉ જોડીયા અને સીટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ત્રણ ગુના અને સીટી સી-ડિવિઝનમાં ચેક રિટર્નનો એક કેસ નોંધાયેલો છે. જ્યારે અન્ય આરોપી મહિપાલસિંહ રાણા સામે જામનગર અને જૂનાગઢમાં મારામારી અને પ્રોહીબિશનના પાંચ ગુના નોંધાયેલા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી, પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા અને એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, બળવંતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા અને ભારતીબેન ડાંગરે આ સફળ કાર્યવાહી કરી હતી. હાલમાં પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ ડુપ્લીકેટ દારૂના નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(7:42 PM IST)