<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

હળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ : પરિણીતાને ભગાડી જતાં યુવાનના કાકાની તીક્ષ્ણ હથિયારથી હત્યા : ભાઈ ઘાયલ

સુરવદરમાં વહેલી સવારે બે કારમાં આવેલા ૭-૮ શખ્સોનો હુમલો : પરિણીતાના પરિવારજનોએ યુવાનના ઘરે ધસી જઈ કાકાની હત્યા કરી! : પોલીસ તપાસ શરૂ

હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં એક કરુણ ઘટના સામે આવી છે. ગામના યુવાન મનોજ ધામેચા એક પરિણીતાને લઈને ફરાર થઈ જતાં પરિણીતાના પરિવારજનોએ ઉશ્કેરાઈને મનોજના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં મનોજના કાકા ચંદુભાઈ ધામેચાનું તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી મોત નીપજ્યું છે, જ્યારે તેમનો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, સુરવદર ગામના મનોજ ધામેચાને શક્તિ નગરની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધના પગલે મનોજ પરિણીતાને ભગાડી ગયો હતો. આ ઘટનાથી પરિણીતાના પરિવારજનો રોષે ભરાયા હતા અને વહેલી સવારે બે કારમાં આશરે ૭ થી ૮ જેટલા શખ્સો સુરવદર ગામે મનોજના ઘરે ધસી આવ્યા હતા.
આ શખ્સોએ મનોજના ઘરે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મનોજના કાકા ચંદુભાઈ ધામેચાને તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા વાગ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મનોજનો ભાઈ પણ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયો છે.
હત્યાની જાણ થતાં જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક ચંદુભાઈ ધામેચાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સુરવદર ગામમાં ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

(4:37 PM IST)