<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

સિક્કા પોલીસે ઝડપી પાડી ભારતીય બનાવટના દારૂની ખેપ : કાર સહિત 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે કાર્યવાહી : કાર ચાલક નાસી જવામાં સફળ

 

 

જામનગર : સિક્કા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે એક સ્કોડા કારમાંથી 37,440 રૂપિયાની કિંમતની 72 બોટલ રોયલ ચેલેન્જ વ્હિસ્કી અને 1.50 લાખ રૂપિયાની કિંમતની કાર મળી કુલ 1,87,440 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, કાર ચાલક પોલીસને જોઈને નાસી જવામાં સફળ રહ્યો હતો.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલૂ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિને સદંતર બંધ કરવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે લાલપુર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સીધા માર્ગદર્શન હેઠળ સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ચાવડા અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ સિંધવ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિત નારણભાઈ ભાટિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ સફેદ કલરની સ્કોડા કાર રજિસ્ટ્રેશન નંબર જીજે ૦૫ સી.ક્યુ ૪૪૪૪માં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી સ્કોડા કાર દેખાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની 750 એમએલની કુલ 72 બોટલ મળી આવી હતી, જેની કિંમત 37,440 રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે પોલીસે 1.50 લાખ રૂપિયાની કિંમતની સ્કોડા ફેબિયા કાર પણ જપ્ત કરી છે.
પોલીસ કોન્સ્ટેબલ રોહિત નારણભાઈ ભાટિયાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ સિંધવે પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર કાર ચાલક અને તપાસમાં ખુલે તે તમામ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ચાવડા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પી.સિંધવ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિત નારણભાઈ ભાટિયાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

(1:43 PM IST)