News of Monday, 19th May 2025
ખાતરની તંગીથી ત્રાહિમામ ખેડૂતો : વિસાવદરના AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પુરવઠા અધિકારીને ઘેર્યા : કૃત્રિમ અછત અને કાળાબજારીનો આક્ષેપ
"દર વર્ષે ખેતી સમયે જ ખાતરની અછત કેમ? દારૂની હોમ ડિલિવરી થાય છે, તો ખાતર કેમ નહીં? નેનો ખાતરના નામે ખેડૂતોનું શોષણ બંધ કરો" - ગોપાલ ઇટાલિયાનાં સરકાર સામે આકરા પ્રહારો

વિસાવદર : આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરના મામલતદાર અને પુરવઠા અધિકારી સમક્ષ ખાતરની તંગીને લઈને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે આકરી રજૂઆત કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો, આગેવાનો અને AAPના કાર્યકરો ગોપાલ ઇટાલિયા સાથે જોડાયા હતા. પુરવઠા અધિકારી અને મામલતદારને સંબોધતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને યુરિયા, DAP અને NP જેવા અતિ આવશ્યક ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ભારે પરેશાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે દર વર્ષે વાવણીની સીઝન સમયે જ ખાતરની અછત શા માટે સર્જાય છે અને પુરવઠાનું યોગ્ય નિયમન કેમ કરવામાં આવતું નથી?
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને જ્યારે ખાતરની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તે ઉપલબ્ધ હોતું નથી અને જ્યારે મળે છે ત્યારે જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે ખાતરની કૃત્રિમ અછત ઊભી કરીને કાળા બજારી કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને મૂળ કિંમત કરતાં વધુ પૈસા ચૂકવીને ખાતર ખરીદવાની ફરજ પડે છે. આ ઉપરાંત, ખાતર ખરીદવા માટે ખેડૂતો પાસેથી ખોટી રીતે આધાર કાર્ડની માંગણી કરવામાં આવી રહી છે, જે તદ્દન ગેરવાજબી છે. તેમણે તીખો કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં તેની હોમ ડિલિવરી થાય છે, જ્યારે ખાતર પર કોઈ પ્રતિબંધ નથી તેમ છતાં ખેડૂતોને તે સમયસર મળતું નથી. ગોપાલ ઇટાલિયાએ નેનો ખાતરના નામે ખેડૂતોને લૂંટવાનું તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી અને ખાતર વિતરણ કેન્દ્રો પર કાળા બજારી અને કૃત્રિમ અછતને રોકવા માટે કડક દેખરેખ રાખવાની પણ માંગ કરી હતી. તેમણે ખાતરની સાથે જબરજસ્તીથી નેનો ખાતરની બોટલ વેચવાનો પણ વિરોધ કર્યો હતો અને આ અંગે લેખિતમાં આદેશ જારી કરવાની માંગ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આગ્રહ કર્યો હતો.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
