<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

કાલાવડ તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સજ્જ રહેવા અને મદદરૂપ થવા અંગે માર્ગદર્શન : ફાયર વિભાગ અને ૧૦૮ દ્વારા પણ તાલીમ અપાઈ

જામનગર: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના સૂચન અનુસાર કાલાવડ તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં નાગરિક સંરક્ષણ અંગે એક દિવસીય પ્રાથમિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ, તલાટીઓ અને સરપંચોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમાર્થીઓને યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિ દરમિયાન કેવી રીતે સજ્જ રહેવું અને તંત્ર તેમજ સામાન્ય લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, તાલીમમાં ફાયર વિભાગ અને ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા પણ જરૂરી અને મહત્વની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં નાયબ નિયંત્રક વી.કે. ઉપાધ્યાય, પી.આઈ. એમ.બી. ખીલેરી, તાલુકા વિકાસ અધિકારી ભોજાણી અને વોર્ડન કિશોર ત્રિવેદી જેવા અગ્રણી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વહીવટી તંત્રના કર્મચારીઓને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

 

(7:39 PM IST)