<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

જામનગર સરહદી જિલ્લો હોવાથી આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વબચાવ માટે તાલીમનું આયોજન

જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ નાગરિક સંરક્ષણની તાલીમ લીધી

 

 

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા. ૨૧: જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે પોતાનો બચાવ કરવો જોઈએ અને તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૃપ થઇ શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જામનગરમાં આવેલી ૨૭ બટાલીયન ગુજરાત એનસીસી ખાતે છેલ્લા બે દિવસથી એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સ્વબચાવની તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વબચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે.

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે એનસીસી કેડેટ્સને આપવામાં આવી રહેલી તાલીમમાં હાજરી આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો. કલેકટરે જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જિલ્લાના નાગરિકો, ખાસ કરીને યુવાનોને સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. નાગરિકોને મદદ મળી રહે તે માટે એનસીસી કેડેટ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં બચાવ, રેસ્ક્યુ, ફાયર અને પ્રાથમિક સારવાર અંગે તાલીમનો સમાવેશ થાય છે.

આગામી તા. ૨૧ મેના રોજ કાલાવડ તાલુકામાં સ્વબચાવ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળો પર આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો આપતકાલીન પરિસ્થિતિમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવા માટે આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ તાલીમમાં નાયબ નિયંત્રક વી.કે. ઉપાધ્યાય, પી.આઈ. એમ.વી. ખીલેરી, અન્ય અધિકારીઓ અને એનસીસી કેડેટ્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૬.૪)

(10:08 AM IST)