News of Wednesday, 21st May 2025
દ્વારકામાં ગોમતી નદીમાં ગમખ્વાર ઘટના : સમુદ્રની ભરતીમાં 3 યાત્રાળુ તણાયા : 1નો બચાવ : 2 હજુ લાપતા
પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી : વેકેશન સિઝનમાં બનેલી દુર્ઘટનાથી ભારે ચર્ચા

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સ્નાન કરવા પડેલા ત્રણ વ્યક્તિઓ અચાનક ભારે પ્રવાહ અને સમુદ્રની ભરતીમાં તણાવા લાગતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
એકનો આબાદ બચાવ, બેની શોધખોળ ચાલુ
ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર કાર્યવાહી કરતા ત્રણ વ્યક્તિઓમાંથી એકને સફળતાપૂર્વક બચાવી લીધો હતો. બચાવવામાં આવેલી વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, અન્ય બે વ્યક્તિઓ હજુ સુધી મળી શક્યા નથી અને તેઓ ગોમતીના વધારે પડતાં ઊંડા પાણીમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે.
આ કરુણ ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી અમોલ અવાટે અને ચીફ ઓફિસર નસીત પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે લાપતા થયેલા યુવાનોની શોધખોળ કરવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી અને બચાવ કામગીરીનું સંચાલન કર્યું.
હાલ વેકેશનનો સમય હોવાથી દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. આવા સમયે બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને શોકનો માહોલ છવાયો છે. લાપતા થયેલા બંને વ્યક્તિઓને સહીસલામત શોધવા માટે બચાવ ટુકડીઓ દ્વારા સઘન પ્રયાસો ચાલુ છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
