હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોમાસામાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે ખેડૂતોએ શું કાળજી લેવી? કૃષિ વિભાગની વિસ્તૃત માર્ગદર્શિકા
અનઅધિકૃત વેચાણ ધ્યાને આવે તો તાત્કાલિક કૃષિ અધિકારીનો સંપર્ક કરવા જામનગર નાયબ ખેતી નિયામકનો અનુરોધ

જામનગર, તા.21 મે: ચોમાસુ સીઝન નજીક આવી રહી છે ત્યારે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા માટે જામનગરના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખેડૂતો છેતરામણીનો ભોગ ન બને અને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી મેળવી શકે તે સુનિશ્ચિત કરવાનો આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ છે.
બિયારણની ખરીદીમાં રાખવાની કાળજી
યાદીમાં જણાવાયું છે કે, બિયારણ હંમેશા વિશ્વાસુ પરવાનેદાર (લાઈસન્સ હોલ્ડર) પાસેથી જ સીલબંધ પેકિંગમાં ખરીદવાનો આગ્રહ રાખવો. સરકારી માન્યતા પ્રાપ્ત તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરાયેલ બિયારણ જ ખરીદવું. સૌથી મહત્વની વાત એ છે કે, બિયારણની ખરીદીનું પાકું બિલ અચૂક લેવું.
સરકાર માન્ય ન હોય તેવું બિયારણ પરવાનેદાર પાસેથી, અનઅધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા તો સગાવાલા પાસેથી ખરીદવું નહીં. આ ઉપરાંત, મુદતવીતી (expiry date) થયેલું બિયારણ ક્યારેય ખરીદવું નહીં. બિયારણ બીજ માવજત (seed treatment) આપેલું હોય તેવું વાપરવાનો આગ્રહ રાખવો, જેથી પાકને રોગ અને જીવાતથી રક્ષણ મળી શકે.
ખેડૂતોને માર્કેટમાં મળતી જુદી જુદી કંપનીઓની અને જાતોને ધ્યાને લઈ કોઈ એક જ કંપનીના બિયારણ ખરીદવાનો આગ્રહ ન રાખવા પણ સૂચન કરાયું છે. ખેડૂતોએ પોતાની પાસે ઉપલબ્ધ પિયત અને અન્ય સુવિધાઓને ધ્યાને લઈ બિયારણની જાત પસંદ કરવી જોઈએ.
ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી
જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પુરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા પુરુ પાડવામાં આવેલું છે. વરસાદ થતા એકી સાથે બિયારણ તથા ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે જિલ્લાના તમામ ખેડૂતોને ખરીફ 2025ની સીઝન માટે પાકની જરૂરિયાત મુજબ, કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો તથા બિયારણનો જથ્થો અત્યારથી જ લઈ રાખવા અપીલ કરવામાં આવી છે.
ખાતરની ખરીદી પણ પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાકા બિલથી જ ખરીદવું. લેભાગુ તત્વો દ્વારા ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપીને વેચાણ કરવામાં આવે ત્યારે આવા ખાતર ખરીદવા નહીં. આવા લેભાગુ તત્વોની જાણ ખેડૂતોએ તાત્કાલિક પોતાના તાલુકાના ખેતીવાડી અધિકારીને અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરીના ફોન નંબર 0288-2551137 પર સંપર્ક કરીને કરવી.
આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરીને ચોમાસાના પાકનું ઉત્પાદન સુધારવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
