ACBનો જામનગરમાં સપાટો : 8,000 રૂપિયાની લાંચ લેતા ASI અને હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયા! : રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શનમાં કાર્યવાહી : જુઓ વિડિયો
ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના યુવરાજસિંહ ગોહિલ અને પુષ્પરાજસિંહ જાડેજાની ધરપકડ : અરજીની તપાસમાં 'લોકઅપ'નો ડર બતાવી પૈસા માંગ્યાનો ઘટસ્ફોટ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. 21 મે 2025, બુધવાર: લાંચિયા બાબુઓ સામે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. જામનગર શહેરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકી ખાતે રૂ. 8,000/- ની લાંચ લેતા એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACB, રાજકોટ એકમે આ ટ્રેપ ગોઠવી હતી, જેમાં બંને આરોપીઓએ રાજ્યસેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચર્યો હતો.
'લોકઅપ'માં બેસાડવાનો ડર બતાવી લાંચની માંગણી: 2,000 રૂપિયા અગાઉ લીધા હતા
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી વિરુદ્ધ થયેલી એક અરજીની તપાસ આરોપી નંબર-1 યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ, ASI, ખંભાળિયા ગેટ પોલીસ ચોકી, સિટી એ ડિવિઝન પો.સ્ટે., જામનગર કરી રહ્યા હતા, અને આરોપી નંબર-2 પુષ્પરાજસિંહ ગિરીરાજસિંહ જાડેજા, પો.હેડ કોન્સ્ટેબલ, તેમની સાથે કામગીરી કરતા હતા.
આરોપી ASI યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને હેરાન ન થવું હોય અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવાના અવેજ પેટે રૂ. 10,000/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. તેણે આ રકમ આરોપી હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવાનું જણાવ્યું હતું.
તા. 19 મે, 2025 ના રોજ, આરોપી હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ ફરિયાદીને અટક કર્યા બાદ મામલતદાર કચેરીમાં રજૂ કરતા પહેલા ફરિયાદી પાસેથી રૂ. 10,000/- માંગ્યા હતા. તે સમયે ફરિયાદી પાસે આટલી રકમ ન હોવાથી, આરોપી હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂ. 2,000/- લઈ લીધા હતા અને બાકીના રૂ. 8,000/- ફોન કરે ત્યારે આપી જવા જણાવ્યું હતું.
ACBની સફળ ટ્રેપ: બંને આરોપીઓ લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે ACB, રાજકોટ એકમનો સંપર્ક કર્યો અને ફરિયાદ દાખલ કરી. આ ફરિયાદના આધારે આર.એન. વિરાણી, ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ACB, રાજકોટ એકમ તથા તેમના સ્ટાફે છટકું ગોઠવ્યું.
લાંચના છટકા દરમિયાન, આરોપી ASI યુવરાજસિંહ ગોહિલે લાંચની રકમ આરોપી હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવાનું કહેતા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા. 8,000/- માંગી અને સ્વીકારી હતી. આમ, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
આ સમગ્ર કાર્યવાહી કે.એચ. ગોહિલ, ઇ.ચા. મદદનીશ નિયામક, ACB રાજકોટ એકમના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. આ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાની ACBની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
