તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st May 2025
જામનગરમાં સનસનાટીભર્યો હત્યા કેસ : અપહરણ બાદ હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પોલીસ!
હરિયા સ્કૂલ પાસે બનેલા ગુનામાં પ્રેમસંબંધનો ખુલ્યો રાઝ : મૃતક આશીષ અસ્વારના પરિવારજનોએ જ આચર્યું હતું કૃત્ય

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર શહેરમાં હરિયા સ્કૂલ નજીક વરુડી પાન પાસે બનેલા અપહરણ અને ત્યારબાદ હત્યામાં પરિણમેલા બનાવના ત્રણ આરોપીઓને જામનગર-સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (IPS) અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચના મુજબ, જામનગર જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળ કામગીરી કરી છે.
પ્રેમસંબંધના કારણે અપહરણ અને હત્યા: પિતા, ફુવા અને ફુવાનો દીકરો ઝડપાયા
આ બનાવ જામનગર સીટી સી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં-11202002250840/2025 હેઠળ નોંધાયો હતો. આ કેસમાં ફરિયાદી ક્રિષ્નાબેન (ઉ.વ. 19), રહે. અવધનગરી, માધવ-03, નાઘેડી, જામનગર વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર આશીષ રાણાભાઈ અસ્વાર સાથે તેને પ્રેમસંબંધ હતો અને છેલ્લા એકાદ વર્ષથી બંને લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. આ સંબંધ ફરિયાદીના માતા-પિતાને પસંદ ન હોવાથી, તેનું મનદુઃખ રાખીને ફરિયાદીના પિતા વિક્રમભાઈ કેશુભાઈ કેશવાલા, તેના ફુવા રામદેભાઈ લાખાભાઈ બોખીરિયા, ફુઈ નીરુબેન રામદેભાઈ અને ફુઈનો દીકરો વિવેક કારાભાઈ બોખીરિયા સાથે મળીને આશીષ રાણાભાઈ અસ્વારને લાકડી વડે માર મારી તેનું અપહરણ કરી ગયા હતા.
આ ઘટના તા. 7 મે, 2025 ના રોજ સવારે 10:00 વાગ્યે જાહેર થઈ હતી. જોકે, આશીષ રાણાભાઈ અસ્વાર સારવાર દરમિયાન મૃત્યુ પામતા, આ બનાવ હત્યામાં પરિવર્તિત થયો હતો. બનાવ બન્યો ત્યારે આરોપી નીરુબેન રામદેભાઈ બોખીરિયાની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે વિક્રમ કેશુભાઈ કેશવાલા, રામદેભાઈ લાખાભાઈ બોખીરિયા અને વિવેક કારાભાઈ બોખીરિયા ફરાર હતા.
પોલીસની બાતમી અને ટેકનિકલ સોર્સ: સાંઢિયા પુલ પાસેથી આરોપીઓ ઝડપાયા
ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ.એ. ઘાસુરાની સૂચનાથી સર્વેલન્સ સ્કવોડના પી.એસ.આઈ. વી.બી. બરબસીયાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓનું લોકેશન મેળવી વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન, એ.એસ.આઈ. યશપાલસિંહ એ. જાડેજા અને હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ એમ. જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, સદર ગુનાના પકડવાના બાકી આરોપીઓ સાંઢિયા પુલ પાસે માધવબાગથી બે મોટરસાયકલમાં નીકળવાના છે.
બાતમીના આધારે વોચ ગોઠવતા, સદર ગુનાના આરોપીઓ બે મોટરસાયકલમાં નીકળતા તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ:
* વિક્રમ કેશુભાઈ કેશવાલા (રહે. અંડર બ્રિજ પાસે, રાધેશ્યામ એપાર્ટમેન્ટ, જામનગર)
* રામદેભાઈ લાખાભાઈ બોખીરિયા (રહે. અંડર બ્રિજ પાસે, રાધેશ્યામ એપાર્ટમેન્ટ, જામનગર)
* વિવેક કારાભાઈ બોખીરિયા (રહે. અંડર બ્રિજ પાસે, રાધેશ્યામ એપાર્ટમેન્ટ, જામનગર)
આ સફળ કાર્યવાહી પી.આઈ. આઈ.એ. ઘાસુરાની સૂચનાથી સર્વેલન્સ સ્કવોડના પી.એસ.આઈ. વી.બી. બરબસીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. યશપાલસિંહ એ. જાડેજા, રાજનભાઈ એસ. કનોજીયા, સુખદેવસિંહ એમ. જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ એમ. જાડેજા, યોગરાજસિંહ પી. રાણા, ખીમશીભાઈ જી. ડાંગર, યુવરાજસિંહ બી. જાડેજા, વનરાજભાઈ ખવડ, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
