<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની-પૂરક સિંચાઈમાં મુશ્કેલી ન પડે તે માટે આજથી પાણી છોડાશે:કુંવરજીભાઈ બાવળીયા

સૌની યોજના હેઠળ લીંક 3 અને લિંક 4 દ્વારા સૌરાષ્ટ્રમાં બે થી ત્રણ દિવસમાંજ ડેમોમાં પાણી પહોંચી જશે :ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી છોડવામાં આવ્યું:બીજા તબક્કામાં સૌરાષ્ટ્ર માટે લિંક 1 અને લિંક 2 માં પણ પાંચ દિવસમાં પાણી છોડાશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.22  : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી સામે આવી છે ત્યારે લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના પાણી પુરવઠા વિભાગના પાણીદાર મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ સૌની યોજના લિંક 3 અને 4 માં આજથી પાણી છોડવાનું ચાલુ કર્યું છે જે બે થી ત્રણ દિવસમાં રાજકોટ અમરેલી જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી જશે જયારે બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી તથા અમરેલી જીલ્લાના બાકીના વિસ્તારોમાં પણ આઠ દિવસમાં પાણી પહોંચાડવામાં આવશે.

"અકિલા"સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પાણીની તંગીને ધ્યાને લઈ રજૂઆતો આવી હતી આ રજૂઆતો ને ધ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ કરી પાણી છોડવા અંગે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ પણ આ બાબતે લીલી ઝંડી આપતા લિંક 3 અને લીંક ૪ માં આજથી જ પાણી છોડવાનું ચાલુ કરી દેવાયું છે જે બે થી ત્રણ દિવસમાં દરેક જિલ્લાના પાણી પૂરું પાડતા ડેમોમાં પહોંચી જશે.

તેમણે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં સૌની યોજના હેઠળની લીંક 3 અને લિંક 4 માં આજથી પાણી છોડવામાં આવ્યું છે જેમાં લિંક 3 દ્વારા સુરેન્દ્રનગર,થાન, આજીડેમ અને ભાદર ડેમ સુધી પાણી પહોંચશે જ્યારે લિંક 4 દ્વારા બોટાદ,જસદણ,બાબરા,અમરેલી, ભેસાણ અને જુનાગઢ સુધી પાણી પહોંચાડવામાં આવશે જ્યારે લિંક 2 દ્વારા બોટાદ,ભાવનગર અને અમરેલી જિલ્લાના બાકી રહેતા અમુક વિસ્તારમાં તથા લિંક 1 દ્વારા જામનગર અને મોરબી વિસ્તાર માટે ટુંક સમયમાં જ બીજા તબક્કામાં પાણી છોડવામાં આવશે જેથી કરી સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારમાં પીવાના પાણીની અને પૂરક સિંચાઈ માટે મુશ્કેલી નહી પડે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે.

રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર માટે સૌની યોજના હેઠળ પીવાના પાણી માટે 3120 અને સિંચાઈ માટે 13030 M.C.F.T. જ્યારે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ પીવાના પાણી માટે 1072 અને સિંચાઈ માટે 13467 M.C.F.T. પાણી છોડવામાં આવશે આગામી 30 જુન સુધીમાં આ બંને યોજના મારફત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે નર્મદા ડેમમાંથી 30,689 M.C.F.T.પાણી છોડવામાં આવશે આનો લાભ ઉત્તર ગુજરાતના 950 થી વધુ તળાવ અને સૌરાષ્ટ્રના 243 તળાવો તથા 1820 જેટલા ચેક ડેમો સુધી પાણી પહોંચશે જેના લીધે પીવાના પાણીની મુશ્કેલી દૂર થશે તેમ જ 60000 થી વધુ એકર ખેતીની જમીનમાં પણ તેનો લાભ મળશે.

કુંવરજીભાઈએ લોકોને અપીલ કરી છે કે આ પાણીનો જથ્થો કરકસર યુક્ત રીતે વાપરવા અને વિભાગના અધિકારીઓએ તેમના વિસ્તારમાં કાળજી લેવા અનુરોધ કર્યો છે. 

પાણીની જરૂરિયાત અંગે સમયાંતરે સમીક્ષા કરી ફક્ત જરૂરિયાત પૂરતું પાણી છોડવાની અને નિયમ અનુસાર વસૂલાત કરવા અંગે ક્ષેત્રીય કક્ષાએથી તકેદારી પણ રાખવા સૂચન કર્યું છે.

ઉલ્લેખની છે કે પાંચ દિવસ પહેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ "અકિલા"ના મોભી કિરીટભાઈ ગણાત્રાની "અકીલા" કાર્યાલયે શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગી રાજ્ય સરકાર નહીં પડવા દે અને ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર માટે સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવશે જેનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે.

(9:17 AM IST)