News of Thursday, 22nd May 2025
વઢવાણ હત્યા કેસના આરોપીને ફાંસી આપોની માંગ સાથે રોડ ચક્કાજામ,ટ્રેન રોકાઈ

વઢવાણ, તા.૨૨: વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય પાયલબેન ડાયાભાઈ સોલંકી ગત તા. ૧૮મીને રવિવારે સવારે ઘરેથી ચાલીને કામ પર જવા નીકળ્યા હતા. ત્યારે ગણપતી ફાટસર વિસ્તારમાં લાલ બંગલા પાસે રસ્તામાં ઉભેલા અમન નાથુભાઈ રાઠોડે પાયલબેન પર આડેધડ છરીના ઘા ઝીંકયા હતા. અને પાયલબેનનું કરૂણ મોત નિપજાવ્યુ હતુ. આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
હાલ આરોપી પોલીસ રીમાન્ડ પર છે. તેમ છતાં આ વિસ્તારના લોકોનો તેના પ્રત્યેનો રોષ શમ્યો નથી. જેમાં બુધવારે મોડી સાંજે ગણપતી ફાટસર વિસ્તારના રહીશોએ આરોપી અમન રાઠોડને ફાંસીની સજા આપવાની માંગ સાથે ગણપતી ફાટક પાસેનો રોડ ચક્કાજામ કરી દીધો હતો. અને ન્યાય આપો, આરોપીને ફાંસી આપોના નારા લગાવાયા હતા. બનાવની જાણ થતા વઢવાણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. ચક્કાજામથી રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. રોષે ભરાયેલા લોકો આટલેથી ન અટકતા સુરેન્દ્રનગરથી ભાવનગર જતી લોકલ ટ્રેન પણ રોકી દેવાઈ હતી. લોકો ફાટક પરના રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા અને ટ્રેનની સામે ટ્રેક પર બેસી ગયા હતા. બનાવને પગલે પોલીસની સાથે રેલવેના અધિકારીઓમાં પણ દોડધામ મચી હતી. તેમજ ૩૦ મિનિટ બાદ પોલીસે લોકોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. તેમજ સુરેન્દ્રનગર - ભાવનગરની ટ્રેનને રવાના કરી હતી.(૨૩.૬)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
