<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ ની ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે યોજાઈ બેઠક

તા.૨૨ મે થી ૫ જૂન સુધી પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જન જાગૃતિ ફેલાવાશે, પ્લાસ્ટિક કચરો દુર કરવા સફાઈ ઝુંબેશ કરાશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૨ :  આ વર્ષે 'એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી' થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવનાર છે, જેમાં પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જનજાગૃતિ માટે પ્રી- કેમ્પેન તા.૨૨ મે થી ૫ જૂન સુધી તેમજ ૫ જુને વિવિધ કક્ષાએ પર્યાવરણ દિન ઉજવણીનું આયોજન છે. 

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોના સુચારુ આયોજન અર્થે  દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે ઉપસ્થિત સંલગ્ન અધિકારીશ્રીઓ પાસેથી આયોજનની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં કલેક્ટરશ્રીએ નગરપાલિકા વિસ્તારો અને મુખ્ય મથકોમાં  પ્લાસ્ટિક દુર કરવા વિશેષ સફાઈ ઝુંબેશો યોજવા, ગામોમાં તથા હાઈવે પર રસ્તાની બને બાજુએથી જમા થતા પ્લાસ્ટિક દુર કરવા,  પ્લાસ્ટિક બોટલ વગેરેનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિકના અન્ય વિકલ્પો અપનાવવા તાકીદ કરી હતી. વધુમાં કલેક્ટરશ્રી તેમજ ઉપસ્થિત તમામ સભ્યોએ ‘મેરી લાઈફ’ અંતર્ગત પર્યાવરણ રક્ષણ અને પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવા અંગે શપથ લીધી હતી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, વન વિભાગ, જી.પી.સી.બી. સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકા કક્ષાએથી ચિફ ઓફિસરો અને અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં.

 

(4:36 PM IST)