તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
રાજુલામાં પીવાના પાણીની પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ : જેસીબી પર ચઢીને કામ અટકાવ્યું : 13 ગામના ખેડૂતોની ધરપકડ!
ધાતરવડી ડેમ પર તંગદિલી : નવી પાઇપલાઇન ખાનગી કંપની માટે હોવાનો ખેડૂતોનો આક્ષેપ : કાર્ય બંધ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી

રાજુલા: રાજુલા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા સુધારવા માટે નગરપાલિકા દ્વારા ધાતરવડી ડેમ 1 પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ ખેડૂતોનો ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. જૂની અને જર્જરિત પાઇપલાઇનના સ્થાને નવી લાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરવા માટે ધાતરવડી ડેમ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, વિરોધ કરી રહેલા ખેડૂતો જેસીબી મશીન પર ચઢી ગયા અને કામ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો, જેના પગલે પોલીસે મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા નજીકના ધારેશ્વર ગામ પાસે આવેલા ધાતરવડી ડેમ 1 માં રાજુલા નગરપાલિકાની જૂની પાણીની પાઇપલાઇન આવેલી છે. આ લાઇન જર્જરિત થઈ જતાં, રાજુલા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે નવી પાઇપ લાઇન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જો કે, ખેડૂતો શરૂઆતથી જ આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. આજે ખેડૂતોએ વિરોધના ભાગરૂપે નવી પાઇપલાઇનનું કામ અટકાવવા માટે જેસીબી પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ રસ્તા પર રામધૂન બોલાવી અને "જય જવાન જય કિસાન" ના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, કેટલાક સ્થાનિક ખેડૂતોએ તો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને દંડવત કરતા કરતા કામ અટકાવવા માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડે પગે તૈનાત હતો.
પોલીસે આખરે વિરોધ કરી રહેલા આસપાસના 13 ગામોના ખેડૂતોની અટકાયત કરી અને તેમને સાવરકુંડલા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં પણ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે અને જ્યાં સુધી પાઇપલાઇનની કામગીરી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે રાજુલા નગરપાલિકાના નામે હકીકતમાં કોઈ ખાનગી કંપની માટે પાણી લઈ જવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલું જ નહીં, ખેડૂતોએ માંગણી કરી હતી કે જૂની પાઇપલાઇન જે સાઈઝની હતી, તે જ સાઈઝની નવી લાઇન નાખવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. આ ઉપરાંત, ખેડૂતોએ ધાતરવડી ડેમ પર ફ્યુઝ ગેટ લગાવવા અને રાજુલા શહેર માટે લઈ જવામાં આવતા પાણી માટે મીટર લગાવવાની પણ માંગણી કરી હતી, જેથી પાણીના વપરાશ અંગે પારદર્શિતા જળવાઈ રહે. ખેડૂતો અને નગરપાલિકા વચ્ચે આ મુદ્દે ચાલી રહેલો વિવાદ વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં શું પરિણામ આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
