<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

જામનગરના સરહદી જિલ્લા કાલાવડમાં આપત્તિ વ્યવસ્થાપન માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઈ : કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં નાગરિકોને સ્વ-બચાવના પાઠ ભણાવાયા!

મધ્યાહન ભોજન સંચાલકો, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લેવાનાર પગલાં વિશે અપાઈ તાલીમ : ફાયર અને 108 એમ્બ્યુલન્સ ટીમે પણ આપ્યો ડેમો

જામનગર, 22 મે: જામનગર જિલ્લો સરહદી વિસ્તાર હોવાને કારણે કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકો સ્વ-બચાવ કેવી રીતે કરી શકે અને તંત્ર તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સુરક્ષા કચેરી દ્વારા સઘન તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રેણીમાં, આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટાઉનહોલ ખાતે એક મહત્વપૂર્ણ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મધ્યાહન ભોજનના સંચાલકો, દુકાનદારો, આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ જેવી કે અન્ય કોઈ આપાતકાલીન પરિસ્થિતિનું નિર્માણ થાય તે સમયે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે વિગતવાર સમજૂતી આપવાનો હતો.
ફાયર અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બચાવકાર્યની તાલીમ
તાલીમ દરમિયાન, ફાયર વિભાગ દ્વારા આગ લાગે તેવા સંજોગોમાં શું કરવું જોઈએ તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, 108 એમ્બ્યુલન્સની ટીમે પણ બચાવકાર્ય અંગે જીવંત નિદર્શન અને તાલીમ આપી હતી, જેથી ઉપસ્થિતો આપાતકાલીન સ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિભાવ આપી શકે. આ તાલીમનો હેતુ નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે સજ્જ કરવાનો છે, જેઓ કટોકટીના સમયે પોતાના અને અન્યોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં નાયબ નિયંત્રક વી.કે.ઉપાધ્યાય, કાલાવડ મામલતદાર તન્વીબેન ત્રિવેદી, પીઆઈ એમ.વી.ખિલેરી, અન્ય અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પહેલને બિરદાવી હતી. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેની પ્રતિબદ્ધતા આ તાલીમ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

 

(5:10 PM IST)