તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 22nd May 2025
સરહદના સંત્રીઓને તૈયાર કરવાની અનોખી પહેલ : પાકિસ્તાન નજીકના કચ્છના કુરન ગામમાં અપાઈ નાગરિક સંરક્ષણની તાલીમ!
આપત્તિ વ્યવસ્થાપન, યુદ્ધ અને તાત્કાલિક પ્રતિસાદ માટે નાગરિકોને સજ્જ કરાશે : કચ્છમાં 9250 નાગરિકોને તાલીમ અપાઈ

વિનોદ ગાલા દ્વારા, ભુજ: ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા કચ્છના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે નાગરિક સંરક્ષણ દળની પાયાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્ટ્રોલર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ ઓફિસ, ભુજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને સરહદી વિસ્તારના નાગરિકોમાં આપત્તિ વ્યવસ્થાપન, યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં નાગરિક સંરક્ષણ અને તાત્કાલિક પ્રતિસાદ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પ્રસંગે અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણ ધવલ પંડ્યાએ તાલીમની જરૂરિયાત અને મહત્વ વિશે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કચ્છ જેવા વિશાળ અને દુર્ગમ વિસ્તારમાં નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તાલીમ દ્વારા તેઓ આપત્તિ સમયે યોગ્ય રીતે પ્રતિસાદ આપી શકે છે.
પ્રાથમિક સારવારથી અગ્નિશમન સુધીની તાલીમ
ચીફ વોર્ડન ચિરાગભાઈ ભટ્ટે પ્રાથમિક સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી, જેમાં બ્લિડિંગ (રક્તસ્ત્રાવ), બર્નિંગ (કાળી સહેજ અથવા ગંભીર બળતરા), ફ્રેક્ચર (હાડકાં તૂટવા) તથા હાર્ટ અટેક વખતે સીપીઆર જેવી તાત્કાલિક સારવાર સામેલ હતી. ગામ લોકોને અગ્નિશમન વિશે પણ માર્ગદર્શન અપાયું, જેમાં અગ્નિ ત્રિકોણ, આગના પ્રકારો અને તેને કાબૂમાં લેવાની પદ્ધતિઓ, તેમજ ફાયર એસ્ટિગ્યુશરનો યોગ્ય ઉપયોગ શીખવવામાં આવ્યો.
વોર્ડન અરુણભાઈ જોશીએ નાગરિક સંરક્ષણ દળની રચના અને તેની 12 વિવિધ સેવાઓ વિશે માહિતી આપી, અને દળની કામગીરી તેમજ આપત્તિ સમયે તેમનો ઉપયોગ કેવી રીતે થાય તે સમજાવ્યું. રોહિતભાઈ ઠક્કરે બચાવની વિવિધ પદ્ધતિઓ, હવાઈ હુમલા સમયે સ્વબચાવ માટે અપનાવવાની ટેકનિક અને અંધારપટ (Blackout) ની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું. આ શિબિરમાં સ્થાનિક ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિભાગ દ્વારા આગામી સમયમાં પણ સરહદી વિસ્તારોમાં આવા તાલીમ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જણાવાયું છે.
કચ્છમાં 9250 નાગરિકોને તાલીમ, કુરન ગામનો વિશેષ વારસો
નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા વર્ષ 2024-25માં કુલ 44 વર્ગોનું આયોજન કરીને શહેર અને ગામના નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, અને વિવિધ એનજીઓ તથા સામાજિક સંસ્થાના કુલ 9250 જેટલા તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે. જેમાં મોટી દધ્ધર અને જોગણીનાર ખાતે અગરિયાઓને, તેમજ નાગરિક સંરક્ષણનું સાહિત્ય બ્રેઈલ લિપિમાં તૈયાર કરીને નવચેતન અંધજન મંડળ, માધાપર ખાતે દિવ્યાંગ બાળકોને પણ પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે.
ભુજ તાલુકાનું કુરન ગામ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલું હોવાથી ભૌગોલિક અને વ્યૂહાત્મક રીતે ઘણું મહત્વ ધરાવે છે. 2011ની જનગણના મુજબ 366 ઘરો અને 1437ની વસ્તી ધરાવતું કુરન ગામ વિકાસ અને સાંસ્કૃતિક પરંપરાઓને એકસાથે લઈને જીવતું ગામ છે. કુરન ગામ નજીકથી હડપ્પાકાળના "સ્ટેડિયમ" જેવી રચનાઓ મળી આવી છે, જે સંભવિતપણે સામૂહિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગીમાં લેવાતી હશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અનુસાર, કુરન ભારતનું એકમાત્ર ગામ છે જ્યાં હડપ્પાકાળના બે સ્ટેડિયા મળી આવ્યા છે.
કુરનના ધાણાસ–વણકર મેઘવાળ પરિવારોમાં 300 વર્ષ જૂનો વણાટનો વારસો આજે પણ જીવંત છે. આ પરિવાર દ્વારા બનાવવામાં આવતા ઊંટના કૂણાળાઓ પર લાદવા માટેના થેલાઓ પ્રખ્યાત છે. પ્રત્યેક થેલો એક સાંસ્કૃતિક વારસો હતો, જેમાં વણાટ, રંગકામ, સિલાઈ અને સમુદાયનો પરિશ્રમ છલકાતો હતો. આ વારસો આજે પણ ધાણાસ પરિવારો દ્વારા જીવંત રાખવામાં આવેલો છે. તેઓ આજે પણ પ્રાચીન રીતે હાથશાળ (લૂમ) વાપરે છે, અને તેમના પ્રોડક્ટ્સ અમદાવાદ અને દિલ્હી જેવા શહેરોના મ્યુઝિયમમાં પ્રદર્શિત થયા છે તેમ અધિક કલેક્ટર અને નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણની કચેરી ભુજ, કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારની તાલીમ સરહદી વિસ્તારોના નાગરિકોને સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે સજ્જ કરવામાં કેટલી મદદરૂપ થશે?
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
