<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જામનગર પાલિકા દ્વારા ૧ દિ'ના વિરામ બાદ રણજિત સાગર રોડ પર ૩૩ અનઅધિકૃત દબાણો દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી

જૂદા જૂદા બે વિસ્તારમાં ૬૬,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાશેઃ ૬ જેસીબી મશીન-૧ હિટાચી ૪ ટ્રેકટર અને ૧૦૦ થી વધુ સ્ટાફ સાથે સીટી એ.ડિવિઝનનો મહિલા પોલીસ સાથેનો મોટો કાફલો જોડાયો

જામનગર, તા.૨૩: મહાનગર પાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદી ના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે ૬ જેસીબી મશીન અને ૪ ટ્રેકટર, ૧ હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને ૩૩ ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે, અને અંદાજે ૬૬ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઇ રહી છે.

શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં મનપાના ૧૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે, અને  ભારે પોલીસ પહેરા હેઠળ મેગા ડીમોલેશન હાથ ધરાયું છે.

રિવર ફ્રન્ટ પ્રોજેકટને લઈને પરમદિવસે કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, અને સવાર થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરી લેવાઈ છે.

ત્યારબાદ એક દિવસ નો વિરામ લઈને આજે સવારે રંગમતિ નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, અને ૩૩ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે ૬૬,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૧૦૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝન નો મહિલા પોલીસ સહિત નો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાનીની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખાની ટીમ, ટીપીઓ શાખાની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી ૧૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડીમોલેશનમાં જોડાયા હતા, અને અલગ અલગ બે ટીમો બનાવાઈ હતી.

સમગ્ર ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવા માટે ૬ જેસીબી મશીનો, ૧ હિટાચી મશીન, ૪ ટ્રેકટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

જે બન્ને સ્થળે સિટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલા અને સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ.ચાવડાની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે. જેમાં બન્ને સ્થળે ૩૩ જેટલા દબાણ વાળું અન અધિકૃત બાંધકામ તોડી પાડી અંદાજે એકાદ કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ રહી છે.

 

 

(12:50 PM IST)