<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૧૦૪ દુકાનોમાં ગ્રાહકના સ્‍વાંગમાં દુકાનદારોની નજર ચુકવી હાથફેરો કરનાર યુપીની આંતરરાજય ગેંગના ૪ સભ્‍યો ઝડપાયા

૧૪ મી તારીખે માસ્‍ક પહેરી બે શખ્‍સોએ સોમનાથ હાઇવે ઉપર બાદલપરા ગામના દુકાનદારને લુંટી લીધાની ઘટનાનું પગેરૂ દબાવતી ગીર-સોમનાથ એલસીબીના પીઆઇ એ.બી.જાડેજાની ટુકડીને સફળતા

 

રાજકોટ, તા., ર૩: ગત ૧૪ મી તારીખે સવારે સાડા અગિયારેક વાગ્‍યે સોમનાથ હાઇવે પરના બાદલપરા ગામના શીતલ પ્રોવીઝન સ્‍ટોર્સ ઉપર મોંઢે માસ્‍ક પહેરી ટુવ્‍હીલર પર પહોંચેલા બે શખ્‍સો પૈકીની પાછલી સીટ ઉપર બેઠેલા શખ્‍સે સાબુની ગોટી લેવાના બહાને પૈસા આપતી વખતે દુકાનદારનું ગળુ પકડી ‘પૈસે દે દે વરના જાન સે જાઓગે' તેવી ધમકી દઇ દુકાનદારના હાથમાંથી ૭૭૦૦ રૂા. ઝુંટવી લઇ માથુ થડા સાથે ભટકાવી ઇજા કરી ભાગી ગયાનો બનાવ પોલીસ સ્‍ટેશને નોંધાતાની સાથે જ સીસીટીવી ફુટેજના આધારે પગેરૂ દબાવી રહેલી ગીર-સોમનાથ એલસીબીની ટુકડીને મોટી સફળતા મળી છે. યુપીના દેખીતી રીતે કપડાની ફેરી જેવો ધંધો કરતા ૪ શખ્‍સોને ઝડપી લઇ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના નાના મોટા શહેરોની ૧૦૪ દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્‍યો છે.

જુનાગઢ રેન્‍જ આઇજી નિલેષ જાજડીયા અને ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી.વી.વ્‍યાસના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એ.બી.જાડેજાની ટીમે સંજયકુમાર સુરજભાણસી બડેરા રાજપુત (ઉ.વ.૩૦) ધંધો કપડાની ફેરી, હાલ બોરસદ, મૂળ રહેવાસી યાહીપાપુર ગામ, ખાનપુર કલા, તા. ઉન,જીલ્લો સામલી, પોલીસ સ્‍ટેશન ઝીઝાના ઉતર પ્રદેશ, વિભાગ રમેશભાઇ ડબાશ (ઉ.વ.ર૯) (રહેવાસી ઉપર મુજબ), વિશાલ કિશનભાઇ કોહલી (રહે. ઉપર મુજબ) અને વિજય રામફલભાઇ ડબાશ રાજપુત (ઉ.વ.રપ) (રહે. ઉપર મુજબ)ને ઝડપી રપ,૭૦૦ રોકડા અને પ૦ હજારની કિંમતનું હોન્‍ડા સાઇન બાઇક અને મોબાઇલ નંગ-૩ મળી કુલ ૯૦,૭૦૦નો મુદામાલ કબ્‍જે કરી પુછપરછ હાથ ધરતા પાલીતાણામાં ૯ દુકાનો, અમરેલીમાં-૩, માધવપુરમાં-૬, સોમનાથમાં-પ, સાળંગપુરમાં-૧૯, ગોંડલમાં-ર૦, ચોટીલામાં-ર૧, જસદણમાં-ર, મોરબીમાં-૭, ગાંધીધામમાં-૩ અને માંડવીની ૯ દુકાનોમાં મળી નાના મોટા ૧૧ શહેરોની ૧૦૪ દુકાનોમાં રોકડ ચોરીની કબુલાત આપી હતી.

આ શખ્‍સો દુકાનદારો પાસે માલ ખરીદવા જઇ વેપારીની નજર ચુકવી વેપારી માલ કાઢવા જાય એ દરમિયાન થડામાંથી પૈસા ચોરી લઇ કે ઝુંટવી લઇ નાસી છુટતા હતા. અને ચારેય સરખે ભાગે વહેંચી પૈસા પોતપોતાની પત્‍નીના ખાતામાં જમા કરાવી દેતા હતા. નાની-મોટી ચોરી હોવાથી દુકાનદારો ફરીયાદ કરવાનું પણ ટાળતા હોવાનું બહાર આવ્‍યું છે. છેલ્લા ૧ વર્ષ દરમિયાન આ ચારેયે ૧૦૪ જેટલી ચોરી-ચિલઝડપ કર્યાનું કબુલ્‍યું છે.

આ સફળ કામગીરી એલસીબીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. એ.બી.જાડેજા, પો.બસ ઇન્‍સ. એ.સી.સિંધવ તથા એએસઆઇ અજીતસિંહ પરમાર, ગોવિંદભાઇ વંશ, નટવરસિંહ ગોહીલ, રામદેવસિંહ જાડેજા, ભુપેન્‍દ્રસિંહ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. નટુભાઇ બસીયા તથા મીસીંગ પર્સન સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. નરેન્‍દ્રભાઇ પટાટ થા ડ્રા. એએસઆઇ નારણભાઇ ચાવડા તથા ડ્રા. પો.હેડ કોન્‍સ. નિલેશભાઇ નિમાવતએ બજાવી છે.(૪.૨૮)

(3:36 PM IST)