હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના મિશનનો પડઘો : "પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી, માનવ જીવન બચાવવાનું પવિત્ર પુણ્ય કર્મ છે!"
જૂનાગઢમાં કૃષિ વિભાગના પ્રથમ હરોળના અધિકારીઓ સાથે ઐતિહાસિક પરિસંવાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ૧૦ જિલ્લાના ગ્રામ સેવકો અને વિસ્તરણ અધિકારીઓને આપી પ્રેરક માર્ગદર્શિકા, રસાયણમુક્ત ગુજરાતના નિર્માણ માટે કર્તવ્યનિષ્ઠાથી કામ કરવા આહ્વાન

જૂનાગઢ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું. તેમણે પ્રાકૃતિક કૃષિને લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ ગણાવી, આ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓ અને કર્મચારીઓને આહ્વાન કર્યું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ જનઆરોગ્ય, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાનું માધ્યમ છે. તેમણે પ્રાકૃતિક કૃષિની સરળ વ્યાખ્યા આપતાં કહ્યું કે, જંગલમાં યુરિયા, ડીએપી કે જંતુનાશક દવા ન નાખવા છતાં પાંદડામાં પોષક તત્વોની કમી હોતી નથી. જે નિયમ જંગલમાં કામ કરે છે, તે જ નિયમ ખેતરમાં લાગુ કરવો એ જ પ્રાકૃતિક ખેતી છે. તેમણે ઉમેર્યું કે, આ પદ્ધતિ અપનાવવાથી પ્રકૃતિની રક્ષા થાય છે, પાણી દૂષિત થતું અટકે છે અને લોકોના જીવન બચે છે. આ ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ પરમાત્માની પ્રાર્થના છે.
તેમણે રાસાયણિક ખેતીની હાનિકારક અસરો પર પ્રકાશ પાડતાં કહ્યું કે, રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. આજે બાળકોમાં હાર્ટ અટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું મુખ્ય કારણ ઝેરયુક્ત આહાર છે. આ બીમારીઓથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. તેમણે ઉમેર્યું કે, રાસાયણિક ખેતીથી લોકોના આહાર પર અસર થાય છે, જેના કારણે તેમનામાં આક્રમકતા પણ જોવા મળે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક અને જૈવિક ખેતીનો તફાવત સમજાવતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં મહેનત અને ખર્ચ ઓછો થાય છે, જ્યારે ઉત્પાદન પૂરતું મળે છે. જૈવિક ખેતીમાં ખર્ચ વધુ થાય છે અને ખેડૂતોને પશુધન પરવડતું નથી, જેથી તે લોકપ્રિય બની શકી નથી. પ્રાકૃતિક કૃષિમાં ગાય, ગોળ અને દાળની જરૂર પડે છે, જેનો ખર્ચ ઓછો હોય છે. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિથી જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે.
તેમણે અધિકારીઓને સંબોધતા કહ્યું કે, પ્રાકૃતિક કૃષિના મિશન માટે કામ કરવું ભાગ્યની વાત છે. જો આપણે 10 લોકોને પણ કેન્સર જેવી બીમારીઓથી બચાવી શકીશું, તો તે કર્તવ્યપાલન ગણાશે. પ્રાકૃતિક કૃષિથી માનવ જીવન, ધરતી, પ્રકૃતિ, પશુ-પક્ષી સૌનું રક્ષણ થઈ શકશે. તેમણે ભારતની વૈદિક સંસ્કૃતિ, વેદ શાસ્ત્રો, ગીતા અને ઉપનિષદમાં કર્મના સિદ્ધાંતનો ઉલ્લેખ કરી, ઈશ્વરના ઉપદેશને અનુસરવાનો અનુરોધ કર્યો.
સંબોધન બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક કૃષિના પ્રથમ હરોળના સૈનિક એવા અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે જઈને અભિવાદન કર્યું અને આ મિશનને નવા જોમ, જુસ્સા અને ઉર્જા સાથે આગળ ધપાવવા પ્રેરણા આપી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટીયાએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધનમાં પુરવાર થયું છે કે, દેશી ગાયના છાણમાં સૂક્ષ્મ જીવાણુંની મોટી માત્રા હોય છે, જેથી પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના પાલન પર ભાર મૂકાયો છે. તેમણે ઉમેર્યું કે, કપાસ સાથે મગફળી, શેરડી સાથે ધાણા, ઘઉં સાથે ચણા જેવા મિશ્ર પાકોના વાવેતરથી ઉત્પાદનમાં વધારો થાય છે.
આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એસ. કે. જોશીએ શાબ્દિક સ્વાગત કરી પરિસંવાદની પૂર્વ ભૂમિકા આપી. સંયુક્ત ખેતી નિયામક એમ.એમ. કાસુન્દ્રાએ આભાર વિધિ કરી. રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન થયું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પી.એ. જાડેજા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક બી. એન. જાદવ, આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર દિપક રાઠોડ ઉપરાંત 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓ, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન ઉપસ્થિત રહ્યા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
