<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

પહલગામ હુમલા બાદ જામનગરનો દરિયાકાંઠો 'હાઈ એલર્ટ' પર : આતંકી ષડયંત્રોને નિષ્ફળ બનાવવા પોલીસ અને ફિશરીઝ વિભાગ સજ્જ!

દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા બોટોના દસ્તાવેજોની ચકાસણી : માલિકો-ખલાસીઓની માહિતી એકત્ર કરાશે : કંડમ બોટોનું અલગ પાર્કિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા સ્થાનિકોને અપીલ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: કાશ્મીરના પહલગામ ખાતે તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, ભવિષ્યમાં આવા કોઈ આતંકવાદી બનાવ ગુજરાતના દરિયાકાંઠે ન બને તે સુનિશ્ચિત કરવા માટે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લાના દરિયાઈ વિસ્તારના પોલીસ સ્ટેશનો – પંચકોષી "એ" ડીવી. પો.સ્ટે., જોડિયા પો.સ્ટે., બેડી મરીન પો.સ્ટે. અને સિક્કા પો.સ્ટે. – દ્વારા ફિશરીઝ વિભાગને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
બોટોની સઘન ચકાસણી અને માહિતી એકત્રીકરણ
આ સુરક્ષા અભિયાન હેઠળ, ઉપરોક્ત પોલીસ સ્ટેશનો હેઠળ આવતા તમામ બંદરો, તેમજ જ્યાંથી માછીમારી કરવા માટે બોટો દરિયામાં જાય છે તેવા સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન બોટોના દસ્તાવેજી કાગળોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેના માલિકો, ટંડેલ (બોટ ચલાવનાર) અને ખલાસીઓની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
વધુમાં, જે બોટોનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેવી બોટોને અલગ તારવીને ફિશરીઝ વિભાગ દ્વારા તાત્કાલિક તેનું રજીસ્ટ્રેશન કરાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે બોટો કંડમ (વપરાશ માટે અયોગ્ય) થઈ ગયેલ છે, તેવી બોટોને બંદરો ખાતે અલગ જગ્યાએ પાર્ક કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી તેનો કોઈ દુરુપયોગ ન કરી શકે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને જનજાગૃતિ
જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગ દરમિયાન, દરિયાકાંઠાના ગામોના લોકોને અને માછીમારોને ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમને કોઈ પણ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ ઈસમો કે શંકાસ્પદ હિલચાલ ધ્યાને આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં કે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ પગલાં દ્વારા સ્થાનિક સમુદાયને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈપણ સંભવિત આતંકવાદી પ્રવૃત્તિને શરૂઆતથી જ નિષ્ફળ બનાવી શકાય.

 

(9:56 PM IST)