<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

જામનગરમાં 'પોષણ સંગમ' મહાઅભિયાન : કુપોષણમુક્ત ભવિષ્ય માટે જામનગર મહાનગરપાલિકા અને ICDS દ્વારા ભવ્ય વર્કશોપનું આયોજન!

કમિશનર ડી.એન. મોદી અને DDO વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જનજાગૃતિ : પોષણ સંભાળ, મોબાઈલ એપ્લિકેશન અને બેસ્ટ પ્રેક્ટિસ પર વિસ્તૃત ચર્ચા : આંગણવાડી કાર્યકરોનું સન્માન

જામનગર: જામનગર મહાનગરપાલિકા અને ICDS (Integrated Child Development Services) વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણના વ્યવસ્થાપન (Management of Malnutrition in Children) માટે 'પોષણ સંગમ' કાર્યક્રમ અંતર્ગત ટાઉનહોલ ખાતે એક દિવસીય ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા અને કુપોષણ સામે લડવા માટે સમુદાય આધારિત વ્યવસ્થાપનના મહત્વ પર ભાર મૂકવાનો હતો.
અધિકારીઓએ આપ્યું કુપોષણ સામે લડવાનું જ્ઞાન
આ વર્કશોપનું ઉદ્ઘાટન કમિશનર ડી.એન. મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજભાઈની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કમિશનર ડી.એન. મોદીએ પોતાના સંબોધનમાં સમુદાય આધારિત વ્યવસ્થાપનના મહત્વ પર ભાર મૂક્યો અને કુપોષણ વિશે વિસ્તૃત જાણકારી આપી.
ICDS (રાજકોટ ઝોન)ના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ દ્વારા પોષણ અંગેની જાગૃતતા, C-MAM (Community-based Management of Acute Malnutrition) અને EGF (Early Growth Feeding) કાર્યક્રમની અગત્યતા, તેનું વ્યુહાત્મક આયોજન તેમજ રાજકોટ ઝોન અંતર્ગત જામનગર જિલ્લાના ન્યુટ્રીશનલ સ્ટેટ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.
ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન ઠુમ્મર દ્વારા જામનગર પોષણ સંગમ અંતર્ગત થયેલા ઇનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસ અંગે માહિતી અપાઈ હતી. તેમણે જામનગર જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને તેના અમલીકરણ અંગે વિગતવાર જાણકારી રજૂ કરી. આ ઉપરાંત, ગામોના પોષણ સ્તર વિશે માહિતી અને 'પોષણ સંગમ' મોબાઈલ એપ્લીકેશન બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી, જે આ કાર્યક્રમને વધુ સુલભ બનાવશે.
આંગણવાડી કાર્યકરોનું સન્માન અને પ્રદર્શન સ્ટોલ
કાર્યક્રમ દરમિયાન, રાજ્યકક્ષાએ પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર આંગણવાડી કાર્યકર સીતાબા ગોહિલ અને ભૂલકાં મેળામાં TLM (Teaching Learning Material) પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવનાર રાધિકાબેન ગોજીયાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા આંગણવાડી કાર્યકરોના યોગદાનને બિરદાવવામાં આવ્યું.
આ વર્કશોપ કાર્યક્રમમાં બાળકોના ગ્રોથ મોનિટરિંગના સાધનો (વજનકાંટાઓ/ઊંચાઈ માપન), સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ C-MAM અને EGF પોષણ સંગમ કાર્યક્રમના સાહિત્યનો પણ વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જેથી ઉપસ્થિત સૌ કોઈ જરૂરી માહિતી અને સાધનો વિશે જાણી શકે.
કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે બાળ વિકાસ યોજના અધિકારી પૃથ્વીબેન ચોડવડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી. આ વર્કશોપમાં ICDS શાખાના અધિકારીઓ, સ્ટાફ, બાળ વિકાસ યોજનાના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો વગેરે સહિત મોટી સંખ્યામાં પોષણ સંબંધિત કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ જામનગર જિલ્લાને કુપોષણમુક્ત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું પૂરવાર થશે.

 

(10:05 PM IST)