News of Saturday, 24th May 2025
જામનગર મહાનગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન તેજ : બીજા દિવસે 41 ગેરકાયદે દબાણો દૂર કરાયા
અન્નપૂર્ણા ચોકડી અને ગુલાબનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન : નદીના પટને ખુલ્લો કરવા 6 JCB, 1 હિટાચી, 5 ટ્રેક્ટર અને 100થી વધુ સ્ટાફ કાર્યરત

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, 24 મે, 2025: જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગમતી નદીના કિનારે દબાણ હટાવવાની ઝુંબેશ સતત બીજા દિવસે પણ પૂરજોશમાં ચાલુ રહી હતી. ગઈકાલે રણજીત સાગર રોડ પર બે અલગ-અલગ સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ આજે ફરી અન્નપૂર્ણા ચોકડી અને ગુલાબનગર વિસ્તારમાં 41 અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નદીના પટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. આ મેગા ડિમોલેશન માટે 6 JCB મશીન, 1 હિટાચી મશીન, 5 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરી કામે લગાડવામાં આવી છે. 41 ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ પાઠવ્યા બાદ આજે વહેલી સવારથી જ પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા અને આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સહિત એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા અને ફાયર વિભાગની ટુકડીના 100થી વધુ કર્મચારીઓ આજના મેગા ડિમોલેશનમાં જોડાયા છે. આ માટે બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સિટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડાના નેતૃત્વ હેઠળ પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કાલાવડ નાકા બહારથી લઈને નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સવારથી સાંજ સુધીમાં 50,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારબાદ એક દિવસના વિરામ બાદ ગઈકાલે રંગમતી નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ 33 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે 66,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી.
આજે પણ ગુલાબનગર અને અન્નપૂર્ણા ચોકડી ખાતે 41 જેટલા અનધિકૃત બાંધકામો તોડી પાડીને તમામ જગ્યા ખુલ્લી કરાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
