News of Monday, 26th May 2025
ખારાઘોડા, ઝીંઝુવાડા, સાંતલપુર, માળીયામીયાણા વિસ્તારમાં ૪ લાખ ટન મીઠુ અટવાઇ ગયુઃ કમોસમી વરસાદથી નુકશાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૬: કચ્છના નાના રણમાં મે મહિનામાં બે વખત કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે અગરિયા સમુદાયને મોટું નુકસાન થયું છે. રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે.
૨૦ મે ના રોજ થયેલા વરસાદથી ખારાઘોડા, ઝીંઝુવાડા, સાંતલપુર અને માળિયા વિસ્તારમાં અંદાજે ૪ લાખ ટન મીઠું અટવાઈ ગયું છે. વરસાદના કારણે મીઠાના પાટામાંથી મીઠું ખેંચવાની કામગીરી અટકી ગઈ છે. પાણી ભરાવાથી મીઠું ઉપાડવા માટે ટ્રક રણમાં ઊંડે સુધી જઈ શકતી નથી.
હાલમાં કુલ વાર્ષિક ઉત્પાદનનું ૩૫ ટકા મીઠું રણમાં પડયું છે. મીઠા ઉત્પાદકો સાથેની શરત મુજબ ૩૧ મે સુધી મીઠાને થતું નુકસાન અગરિયાઓએ ભોગવવાનું હતું. આથી કમોસમી વરસાદથી અગરિયાઓને આર્થિક નુકસાન થયું છે.
અગરિયાઓએ જણાવ્યું કે, મીઠાની ખળીઓમાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં દંતાળો ફરતો હતો ત્યાં વરસાદનું મીઠું પાણી ભરાઈ ગયું છે. હજુ પણ વાવાઝોડા અને વરસાદની આગાહી છે. આથી અગરિયાઓ વધુ નુકસાનની ચિંતામાં છે. તંત્ર દ્વારા નુકસાનની કોઈ તપાસ થઈ નથી
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
