News of Monday, 26th May 2025
સુરેન્દ્રનગરમાં જૂના મનદુઃખે સગાઇ પ્રસંગે મોરબીથી આવેલ
મહેમાનોની પાંચ કારમાં તોડફોડ કરનારા ફરાર ત્રણ આરોપી ઝબ્બે

વઢવાણ તા.૨૬: રતનપુર વિસ્તારમાં રહેતા એક મુસ્લીમ બિરાદરની દિકરીની તા. ૩૦-૧-૨૫ના રોજ સગાઈ હતી. ત્યારે મોરબીથી આવેલા મહેમાન સાથે અગાઉના મનદુઃખને લીધે મહેમાનોની પાંચ કાર પર પથ્થરમારો અને હથિયારોના ઘા કરી નુકશાન પહોંચાડયાની ૨૩ આરોપી સામે ફરિયાદ થઈ હતી. આ કેસમાં ફરાર ૩ આરોપીને પોલીસે ઝડપી લીધા છે. રતનપરમાં મહેબુબભાઈ ફતેમહમદભાઈ ભટ્ટી દિકરી સુહાનાની ધ્રાંગધ્રાના સાહીલ ઈકબાલભાઈ જામ સાથે સગાઈનો પ્રસંગ હતો. જેમાં મહેબુબભાઈનો મીત્ર મોરબીના વીશીપરામાં રહેતો વલીમહમદ દાઉદભાઈ માણેક પણ આવ્યો હતો. ત્યારે વલીમહમદ સાથે અગાઉના મનદુઃખને લીધે યાકુબ પઠાણ સહિત ૨૩ શખ્સોએ દરગાહ પાસેના કોમન પ્લોટમાં પડેલ મહીન્દ્ર થાર, મારૂતી સ્વીફટ, સ્કોર્પીયો સહિત ૫ કાર પર પથ્થરમારો કરી હથીયારો વડે ઘા કરી કારોને નુકશાન પહોંચાડયુ હતુ.
બનાવની જાણ થતા ફતેમહમદ સહિતનાઓ દોડી ગયા હતા. ત્યારે તેમના પર પણ પથ્થરમારો કરાયો હતો. આ સમયે ફતેમહમદભાઈએ મારી દિકરીનો પ્રસંગ ન બગાડો તેમ કહેતા યાકુબે મહેમાન વલીમહમદને અપશબ્દો કહી તને બહુ હવા છે, તેં મારી સામે પોલીસ કેસ કર્યા છે, તને જાનથી મારી નાંખવો છે તેમ કહ્યુ હતુ. આથી ફતેમહમદ વચ્ચે પડતા તેમના ખીસ્સામાંથી રૂપીયા ૨૦ હજારની લૂંટ ચલાવી હતી અને આવા ગુન્હા તો મેં કેટલાય કર્યા છે, તારાથી થાય તે કરી લે જે તેમ કહ્યુ હતુ.
આ કેસમાં ફરાર ૩ આરોપીઓ રતનપર ગાંડાવાડી વિસ્તારમાં હોવાની માહીતી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલ ટીમના રવીભાઈ, દશરથભાઈ સહિતનાઓને મળી હતી. આથી વોચ રાખી ધ્રાંગધ્રા મોચીવાડમાં રહેતા શાહરૂખ ઉર્ફે રાજાબાબુ રસુલભાઈ માલાણી, રમજાન રસુલભાઈ માલાણી અને શાહરૂખ સલીમભાઈ મોવરને ઝડપી લીધા હતા. આ શખ્સોને જોરાવરનગર પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
