News of Monday, 26th May 2025
મેટોડા જીઆઇડીસીમાં ફેકટરીમાં લાગેલ આગ કાબુમાં : લાખોનો માલ બળીને ખાક

તસ્વીરમાં ફેકટરીમાં બળીને ખાક થઇ ગયેલ માલ સામાન નજરે પડે છે. (તસ્વીરઃ બી.એમ.ગોસાઇ-ખીરસરા)
(બી.એમ.ગોસાઇ દ્વારા) ખીરસરા, તા., ર૬: રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઈડીસી ગેટ નંબર ૧ ખાતે આવેલી એમ્બ્રોક્સ ઈન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક જારી બનાવતી ફેક્ટરીમાં મોડી રાત્રે લાગેલ આગ આજે સવારે કાબુમાં આવી ગઇ હતી. ફેકટરીમાં આગ લાગતા વાજડીના સરપંચ મહેન્દ્રસિંહ ડાભી દોડી ગયા હતા. ફેક્ટરી માલિક અને સરપંચે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. પ્લાસ્ટિક મટીરિયલ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે વધુ પાંચથી છ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી હતી. ઈમરજન્સી સેવા માટે બે ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ફેક્ટરીનું રો-મટીરિયલ અને માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. ફેક્ટરીના માલિક સાગરભાઈ મારવીયાએ જણાવ્યું કે, આગ લાગતાની સાથે જ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર ખસેડી લેવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, અને તેની તપાસ ચાલુ છે. આ ઘટનાથી ફેક્ટરીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ઙ્કાથમિક અંદાજ છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
