તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ભાણવડથી લાલપુર સુધીનો માર્ગ ઝળહળશે : મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ₹36 કરોડના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત!
જામનગર-પોરબંદરને જોડતો SH-27 માર્ગ 30 કિલોમીટર લાંબો અને 10 મીટર પહોળો બનશે : વાહનવ્યવહાર વધુ સુગમ બનશે

દેવભૂમિ દ્વારકા, 26 મે: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના રાજ્ય ધોરી માર્ગ (SH-27) ના રી-સર્ફેસિંગ કામનું આજે પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે ₹36 કરોડના ખર્ચે થનારા આ કામથી આ વિસ્તારના લાખો લોકોને ફાયદો થશે.
આ પ્રસંગે પાલાભાઈ કરમૂર, હમીરભાઈ કનારા, ગોવિંદભાઈ કનારા, પ્રિયેશભાઈ અનડકટ, અજયભાઈ કારાવદરા સહિતના સ્થાનિક આગેવાનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગનું મહત્વ અને વિકાસ:
ઉલ્લેખનીય છે કે, જામનગર-લાલપુર-પોરબંદર રોડ (SH-27) પર ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી જામનગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા લાલપુરથી ત્રણ પાટિયા સુધી 30 કિલોમીટરના 10 મીટર પહોળા રોડનું રી-કાર્પેટિંગ કરવાનું આયોજન છે.
આ રાજ્ય ધોરી માર્ગ જામનગર અને પોરબંદરને જોડતો એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. તે જામનગર જિલ્લા મથકને લાલપુર, ધરમપુર, મોટી ગોપ, ભાણવડ, જામજોધપુર, રબારીકા જેવા આસપાસના અનેક ગામો સાથે જોડે છે. આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. જામનગર ખાતે આવેલી જી.જી. હોસ્પિટલ, એ.પી.એમ.સી., અને વિવિધ કારખાનાઓ માટે નાગરિકોને ઉપયોગી થવા ઉપરાંત, માલ-સામાનના પરિવહન માટે પણ આ રસ્તો ખૂબ જ અગત્યનો છે.
આ રી-કાર્પેટિંગની કામગીરી પૂર્ણ થવાથી વાહનવ્યવહારમાં ઘણી સુગમતા વધશે, મુસાફરીનો સમય ઘટશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટ આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસમાં પણ મહત્વનો ફાળો આપશે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
