<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

દ્વારકાની 'ધ સ્કાય કમ્ફર્ટ' હોટેલ પર તંત્રનો સપાટો : નિયમભંગ બદલ પોલીસ બંદોબસ્ત સાથે સીલ!

વરવાળા નજીક સમુદ્ર કિનારે આવેલી હોટેલને થોડા દિવસ અગાઉ નોટિસ

કૌશલ સવજાણી દ્વારા, દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દૌર શરૂ થયો છે. આજે દ્વારકાના વરવાળા નજીક સમુદ્ર કિનારે આવેલી 'ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ' પર વિવિધ નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવામાં આવ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ પહેલાં જ આ હોટેલને વિવિધ નિયમોના ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી હતી. દ્વારકાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અમોલ આવટે દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને વરવાળા ગામના સરપંચની હાજરીમાં આ હોટેલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હોટેલ દ્વારા કયા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો, તેની સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તંત્રની આ કડક કાર્યવાહી એ દર્શાવે છે કે નિયમોનું પાલન ન કરનારા એકમો સામે ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે. દ્વારકા જેવા પ્રવાસન સ્થળે આવેલી હોટેલ પર થયેલી આ કાર્યવાહીથી અન્ય વેપારીઓ અને હોટેલ માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

 

(8:08 PM IST)