News of Wednesday, 28th May 2025
રાજકોટ, જામનગર,ગાંધીધામમાં રેલ્વે સ્ટેશને ટિકિટ કન્ફર્મ કરી આપવાના નામે ઠગાઈ કરતી બે ગેંગ ઝડપાઈ
કચ્છના ગાંધીધામ રેલવે પોલીસે ઝડપેલ ચીટર ગેંગ સામે ૧૦ ફરિયાદો, ઠગાઈ કરાયેલ ૧૦ એટીએમ, ૧૬ મોબાઈલ સાથે ૧.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : રેલવે સ્ટેશને વતન જવા માંગતા પરપ્રાંતીય લોકોને ટીટી તરીકે ઓળખાણ હોવાની વાતોમાં ભોળવી ટિકિટ કન્ફર્મ કરી આપવાના નામે રૂપિયા ચૂકવવા એટીએમ કાર્ડ, મોબાઇલ ફોન લઈ નાસી જઈ ઠગાઈ કરનારી બે ચીટર ગેંગ ગાંધીધામ રેલવે પોલીસે ઝડપી પાડી છે.
રેલવે પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં ટિકિટ કન્ફર્મ કરાવી આપવાની લાલચ આપીને ચીજવસ્તુઓ પડાવી લેવાના ગુનાઓનો ભેદ ઉકેલવા ટેક્નીકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પ્રયાસો આદર્યા હતા. જેમાં સફળતા મેળવીને પોલીસે આરોપી રામપુકાર ગરભુ મહતો અને તેના સાથી ઉપકાર સુરેંદ્ર મહતો, વિવેક વૈદૈહી મહતોની એક ટોળકી તો બીજી આરોપી ટોળકીમાં બ્રહ્મદેવ, દિલિપકુમાર અને રાજકુમારને ઝડપી પાડ્યા હતા.
આ આરોપીઓ સામે ગાંધીધામ રેલવે પોલીસ મથકે ૪, રાજકોટમાં ૩, જામનગરમાં ૨ અને યુપીના ખાનપુર ગાજીપુરમાં એક સહિત કુલ ૧૦ ગુના નોંધાયેલા છે. તેમની પાસેથી ચોરાઉ સામગ્રીઓ પણ મળી આવી છે.
પોલીસે આ છ ગુનેગારોને ઝડપી પાડીને તેમણે આચરેલા ૧૦ ગુનામાંથી ચોરી કરેલા ૧૬ મોબાઈલ, ૬ એટીએમ કાર્ડ, ૧ સ્માર્ટ વોચ સહિત ૧.૪૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ સાથે આધાર કાર્ડ જેવા અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે. રેલવે પોલીસે ટિકિટ કન્ફર્મ ની લાલચમાં નહીં ફસાવવા અને એટીએમ કાર્ડ કે મોબાઇલ કોઈ અજાણ્યા શખ્સોને નહીં આપવા અપીલ કરી છે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
