News of Wednesday, 28th May 2025
જામનગરમાં નવા વેરિયન્ટના ૧૦ એક્ટિવ કેસઃ કોરોનાનું સંક્રમણ વધી જતાં મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં
શહેરના જુદા જુદા પાંચ આરોગ્ય કેન્દ્રની ટુકડીઓ સેમ્પલો એકત્ર કરવા તેમજ જરૂરી દવાનું વિતરણ કરવા માટે દોડતી થઇઃ લોકોને સાવચેત રહેવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮: જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે, અને નવા વેરિયન્ટના હાલ ૧૦ એક્ટિવ કેસ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી દોડતી થઈ છે, અને જુદા જુદા વિસ્તારોમાં સેમ્પલો લેવા ઉપરાંત જરૂરી દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે. જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા તમામ દર્દીઓની નિયમિત કાળજી લેવામાં આવી રહી છે.
જામનગર શહેરના મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં નવા કોરોના ના પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાથી તે વિસ્તારની અલગ અલગ આરોગ્ય વિભાગની ટુકડીઓ દોડતી કરવામાં આવી છે, અને જે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તેઓના પરિવારના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે.
કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના સેમ્પલ લેવાયા હતા, જે પૈકી ચાર ના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ઘાચી ની ખડકી વિસ્તારમાં એક મહિલાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ તેના પરિવારના સેમ્પલ લેવાતાં બીજો પોઝિટિવ કેસ મળ્યો હતો. બાકીના અન્ય પરિવારના પણ સેમ્પલ લેવાયા હતા, જોકે તમામ નેગેટીવ આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તમામ એક્ટિવ કેસના દર્દીઓનું પ્રતિદિન મોનિટરિંગ કરી રહ્યું છે, અને તેઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથોસાથ જરૂરી દવાઓનું વિતરણ કરાઇ રહ્યું છે.
જામનગર શહેરમાં ૧૦ એક્ટિવ કેસ પૈકીના પાંચ કેસ કે જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે, પરંતુ પાંચ કેસના દર્દીઓ લોકલ રીતે સંક્રમિત બન્યા છે. જેથી કોરોના નું સંક્રમણ ધીમે ધીમે જામનગર શહેરમાં ફેલાતું જાય છે. જેથી જામનગર શહેરના નાગરિકોએ સાવચેત રહેવા માટેની ટકોર કરવામાં આવી છે, અને ખાસ કરીને નાના બાળકો અથવા તો બુઝુર્ગોએ સલામત રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત જરૂર પડયે માસ્ક અને સેનિટાઈઝર નો ઉપયોગ કરવા પણ તાકીદ કરાઇ છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
