<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ગોંડલના વોરાકોટડા ગામે જમીનના ડખ્‍ખામાં રાજેશભાઇ સાકરીયાની હત્‍યા

રાત્રે વાડીએ હતા ત્‍યારે ભત્રીજા અજય સહિતના શખ્‍સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દિધુઃ પુત્ર અનીલને ઇજા થતા રાજકોટ ખસેડાયો જમીનના શેઢાની તકરારમાં ભાઇની હત્‍યા કરનાર ભાઇ-ભત્રીજા સહિત ચારની શોધખોળ

રાજકોટ તા. ર૮ :.. ગોંડલના વોરા કોટડા ગામે જમીનના ડખ્‍ખામાં હત્‍યાનો બનાવ બન્‍યો છે. વાડીએ સુતેલા આઘેડ તથા તેના પુત્ર ઉપર જમી પ્રશ્ને ભત્રીજા સહિતના શખ્‍સોએ તિક્ષણ હથિયારથી હુમલો કરી આઘેડનું ઢીમઢાળી દિધું હતું. જયારે પુત્રને ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલના વોરાકોટડા ગામે રહેતા રાજેશભાઇ ઉર્ફે રમેશભાઇ નાથાભાઇ સાકરીયા (ઉ.વ.પ૦) રાત્રીના નાથાભાઇની વાડીએ હતા ત્‍યારે તેના ભત્રીજા અજય સહિતના શખ્‍સોએ છરી સહિતના તિક્ષણ હથિયારથી તૂટી પડતા રાજેશભાઇને ગંભીર ઇજા થતા તેનું  ઘટના સ્‍થળે જ મોત નીપજયું હતું. જયારે આ હુમલામાં પિતાને બચાવવા વચ્‍ચે પડેલ પુત્ર અનિલભાઇ (ઉ.ર૭) ઉપર પણ હુમલો થતા તેને ગંભીર ઇજા થતા પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

બનાવની જાણ થતા ગોંડલના ડીવાયએસપી કે. જી. ઝાલા તથા તાલુકાના પી. આઇ. પરમાર સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પી. એમ. માટે હોસ્‍પીટલે ખસેડી હતી.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર રાજેશભાઇ તથા તેના ભત્રીજા અજયને જમીનના શેઢા બાબતે વાંધો - તકરાર ચાલતો હતો તેનો ખાર રાખી અજય તથા તેની પત્‍ની, અજયના પિતા તથા તેની માતાએ વાડીએ સૂતેલા રાજેશભાઇ ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દિધા હતાં. બનાવ બાદ ભત્રીજા સહિતના આરોપીઓ નાસી છૂટયા હતાં.

બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે હત્‍યાનો ગુન્‍હો નોંધી નાસી છૂટેલા ભત્રીજા અને ભાઇ સહિતનાની શોધખોળ હાથ ધરી છે.

(2:34 PM IST)