તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
શનિવારે કેજરીવાલ સહિત ‘આપ'ના ધુરંધરોની હાજરીમાં ગોપાલ ઇટાલીયા વિસાવદરમાં ફોર્મ ભરશે
મેગા રોડ શોમાં દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ‘આપ'ના ગુજરાત પ્રભારી ગોપાલ રાય સહિતના હાજર રહેશે

રાજકોટ, તા.,૨૮ : આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતાં જણાવ્યું હતું કે, ભાજપે છેલ્લા બે-અઢી વર્ષથી વિસાવદરની પેટા ચૂંટણી રોકી રાખી જેના કારણે વિસાવદરની જનતાને ખુબ જ સમસ્યાનો સામનો કરવો પડતો હતો કારણ કે વિસાવદરનો કોઈપણ મુદ્દો વિધાનસભા સુધી પહોંચતો ન હતો. પરમ દિવસે ચૂંટણી જાહેર થઈ અને આમ આદમી પાર્ટીએ મને વિધાનસભાનો ઉમેદવાર બનાવ્યો છે. આગામી ૩૧ મે શનિવારના રોજ મારું ઉમેદવારી પત્ર હું ભરીશ. સવારે ૯.૦૦ વાગે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકોને સાથે વિશાળ રોડ શો કરીને અમે ફોર્મ ભરવા જઈશું.
મારા માટે એક ખુશીની વાત છે કે મારા જેવા સામાન્ય ઘરમાંથી આવતા વ્યક્તિને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી આ રોડ શોમાં પધારી રહ્યા છે. સાથે સાથે પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ, દિલ્હી સરકારના પૂર્વ CM આતિશી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય સુધીર વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી સાગર રબારી, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા સહિત અનેક નેતાઓ મારા જેવા સામાન્ય વ્યક્તિને સપોર્ટ આપવા માટે ૩૧ મેના રોજ વિસાવદર પધારી રહ્યા છે.
હું વિસાવદરમાં રહેતા મારા તમામ શુભચિંતકો, ખેડૂતો, યુવાનો, માલધારીઓ, વેપારીઓ, રત્ન કલાકારો સહિત તમામ લોકોને વિનંતી કરું છું કે ૩૧ તારીખે ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે, તો આપ તમામ લોકો પણ આ રોડ શોમાં સામેલ થાવ અને મારા ઉમેદવારી પત્ર ભરવા સમયે હાજરી નોંધાવો અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનો. સાથે સાથે ગુજરાતભરમાં વસતા આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ અને ગુજરાતમાં બદલાવની ચાહત રાખનાર તમામ લોકોને હું અપીલ છું કે આપ તમામ લોકો વિસાવદર પધારો.
વધુ એક ગંભીર બાબત વિશે વાત કરીશ કે ભાજપે જાણી જોઈને આ ચૂંટણી મોડી કરાવી છે અને તે લોકોને ખ્યાલ છે કે ૧૯ જૂનના રોજ વરસાદનો સમય હોય છે તો ખેડૂતો સ્વભાવિક રીતે આ સમયે કામમાં હોય અને ખેડૂતો દ્વારા મતદાન ઓછું થાય એવું ષડયંત્ર અને એવું કાવતરું કિરીટ પટેલ અને જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ સાથે મળીને રચ્યું છે. આ ચૂંટણી જાહેર થવાની સંભવિત તારીખ ૬, ૭ અથવા ૮ એપ્રિલ હતી અને કાવતરું કરીને ચૂંટણીની તારીખને મોડી કરીને ૧૯ જૂન સુધી લઈ ગયા. હું વિસાવદર ભેસાણના મતદાતાઓને અપીલ કરું છું કે ભાજપના ષડયંત્ર સામે આપણે લડવાનું છે. મને આશા છે જનતા એક જૂથ બનીને સર્વ સમાજ અને નાના મોટા તમામ લોકો ભાજપના કાવતરાને નિષ્ફળ બનાવશે.
આ ચૂંટણીમાં અમારો સૌથી મોટો મુદ્દો હશે ઇકોઝોનનો મુદ્દો. ભાજપે પોતાના મળતીયાઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોની જમીન છીનવવાનું નક્કી કર્યું છે તેની સામેની લડાઈની આ ચૂંટણી છે. બીજો મુદ્દો છે કે જમીન માપણીમાં ખૂબ જ ગોટાળા કર્યા છે તે પણ ચૂંટણીનો મુદ્દો છે. ટેકાના ખરીદી કેન્દ્રોમાં ભાજપના મળતીયાઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે, ચણા, મગફળી જેવી અનેક વસ્તુઓની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. સહકારી મંડળીઓમાં જુનાગઢ સહકારી બેંકના અનેક વહીવટકર્તા દ્વારા ખેડૂતોના નામે બોગસ ધિરાણ મેળવી અને ખેડૂતોને લાખો રૂપિયાની છેતરપિંડી ખેડૂતો સાથે કરવામાં આવી છે. આ સિવાય સૌની યોજનાનું પાણી તમામ ગામડાઓમાં પહોંચ્યું નથી તે મુદ્દા ઉપર પણ અમે ચૂંટણી લડી રહ્યા છીએ. સમગ્ર વિસાવદર ભેસાણના રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે આ મુદ્દે પણ અમે ચૂંટણી લડી રહ્યા છીએ. વાવણીના સમયમાં દર વર્ષે ખાતરની અછત થતી હોય છે જેના કારણે ખેડૂતોને તકલીફ પડે છે. માલધારી અને પશુપાલકોને જંગલમાંથી ચારો લેવો હોય તો જંગલ ખાતા તરફથી અનેક પ્રકારની દાદાગીરી અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવા અનેક નાના મોટા મુદ્દાઓ છે. આ તમામ પર વિધાન હું વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છું અને વિધાનસભામાં આ તમામ મુદ્દાઓ વિશે રજૂઆત કરવા માંગુ છું. વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા મને ખૂબ જ પ્રેમ આપી રહી છે, આશીર્વાદ આપી રહી છે, એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
