<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પ્રવાસીને છાતીમાં દુઃખાવો થતાં ભુજથી મુંબઈ જતી ફ્લાઈટનું અર્જન્ટ અમદાવાદમાં લેન્ડિંગ

મુંબઈમાં હવામાન ખરાબ હોઈ પાયલોટે પ્રવાસીનો જીવ બચાવવા અમદાવાદમાં પ્લેન ઉતાર્યું, એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સનો પ્રશંસનીય માનવીય અભિગમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : ગઈકાલે બુધવારે બપોરે ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરતા એક પ્રવાસીને એકાએક છાતીમાં દુઃખાવો ઊપડ્યો હતો. એ સમયે એર હોસ્ટેસે પાયલોટને ઇમરજન્સી હોવાનો સંદેશો આપ્યો હતો. પાયલોટે ઇમરજન્સી સમજી અને મુંબઇમાં હવામાન ખરાબ હોઇ પ્રવાસીનો જીવ બચાવવા સમયસર સારવાર મળે એટલે વિમાન અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતારવાનો નિર્ણય કરી એર ટ્રાફિક કંટ્રોલર ને મેસેજ કર્યો. તુરત જ લેન્ડિંગ પરમિશન મળતા ભુજથી બપોરે ૨ અને ૧૦ વાગ્યે ઉપડી મુંબઇ ૩ અને ૪૦ મિનિટે પહોંચનાર આ પ્લેન અમદાવાદ એરપોર્ટ ઉપર ૪/૩૦ વાગ્યે ઉતર્યું હતું. એરપોર્ટ સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ સહિતની તબીબી સેવા તૈયાર રખાઈ હોઈ તુરત જ બિમાર પ્રવાસીને પ્રાથમિક સારવાર સાથે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરાઈ હતી. ત્યાર બાદ ફ્લાઈટ ૫/૩૦ વાગ્યે ફરી અમદાવાદથી ઉપડી અને મુંબઇ પહોંચી હતી. એર ઇન્ડિયાના ક્રૂ સ્ટાફ અને પાયલોટના માનવીય અભિગમની પ્રશંસા થઈ રહી છે.

(9:21 AM IST)