News of Thursday, 29th May 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ઉપાધી
કચ્છમાં ૬ એકિટવ કેસઃ જામનગરમાં વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવઃ ભાવનગરમાં વધુ ર કેસ

રાજકોટ, તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકો ઉપર નવી ઉપાધી આવી પડી છે. આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
કચ્છમાં ૬ એકટીવ કેસ છે. જામનગરમાં વધુ એક મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે ભાવનગરમાં વધુ ર કેસ નોંધાયા છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, દેશની સાથે રાજ્યભરમાં કોરોના પોતાની હાજરી પુરાવી રહ્યો છે. ત્યારે કચ્છમાં પણ કોરોનાના પગરણ શરૂ થઈ ચૂકયા છે. અત્યાર સુધી ૬ એક્ટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં ચાર, આદિપુર અને નખત્રાણામાં એક એક એમ ૬ દર્દીઓ છે. તમામ નવા વેરિયન્ટના કેસ છે. આ દર્દીઓ એ રસી લીધેલી છે અને હોમ આઇસોલેશનમાં સ્વસ્થ થઈ રહ્યા છે. હાલ કોરોનાના લક્ષણ સામાન્ય ફલૂ જેવા છે. દર્દીઓ માસ્ક પહેરે, હોમ આઈસોલેશનમાં સારવાર લે અને બહાર ન નીકળે. જોકે, કોરોના ના દર્દીઓની વધતી સંખ્યા સાથેના મીડિયા રિપોર્ટસ સાથે જ લોકોમાં કયાંક ને કયાંક ચિંતા અને ગભરાટ વરતાઈ રહ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, જામનગરમાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે. લાલપુર રોડ પર આવેલ ૪૦ વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગર શહેરમાં કુલ ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષનો યુવાન અને વિદ્યાનગર વિસ્તાર માંથી ૩૧ વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા બંનેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ભાવનગરમાં હાલ કોરોના ના કુલ ચાર કેસ એક્ટિવ છે અને તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
