<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગોંડલના ઝૂંડાળા ગામે નૂતન બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત

(અશોક જોશી-જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૯: તા. ૨૮/૦૫/૨૦૨૫, બુધવારના રોજ ગોંડલ પાસેનાં સાણથલી ક્ષેત્રનાં ઝુંડાળા ગામે બી. એ. પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરનો ખાતવિધિ  અક્ષર મંદિર ગોંડલનાં કોઠારી પૂ. દિવ્‍યપુરુષદાસ સ્‍વામી તેમજ પૂ. સંતસ્‍વરૂપદાસ સ્‍વામીની ઉપસ્‍થિતિમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો. ઈ.સ. ૧૯૯૫ માં ગોંડલથી પૂ. હરિનિવાસદાસ સ્‍વામી તથા પૂ. સત્‍સંગઙ્ઘિયદાસ સ્‍વામીના વિચરણથી ગામમાં સત્‍સંગની શરૂઆત થઇ હતી. ત્‍યારબાદ સત્‍સંગ મંડળ તેમજ મહિલા મંડળની સ્‍થાપના થઈ. સમય જતા સત્‍સંગ વિકાસ પામતા મંદિરની આવશ્‍યક્‍તા જણાતા મંદિર કરવા માટે ડો. એમ.બી. માથુકીયા પરીવાર તરફથી ભૂમિદાનનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

ખાતમુહૂર્ત પ્રસંગે ગામનાં ભાવિક ભક્‍તોએ ઢોલ-શરણાઈ દ્વારા અક્ષર પુરુષોતમ મહારાજ તથા સંતોનું સ્‍વાગત - સામૈયું કર્યું હતુ. આ પ્રસંગે આયોજીત ઠાકોરજીની ષોડષોપચાર મહાપુજા તથા ઇષ્ટિકા પૂજનમાં મુખ્‍ય યજમાન ડો. એમ. બી. માથુકીયા,  મગનભાઈ માથુકીયા, મગનભાઈ તથા  લીંબાભાઈ પદમાણી સહિત કુલ ૧૪૦૦ જેટલા પુરુષ અને મહિલા હરિભક્‍તોએ લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી.

ત્‍યારબાદ આયોજીત સભામાં પૂ. દિવ્‍યપુરુષદાસ સ્‍વામી તથા પૂ. સંતસ્‍વરૂપદાસ સ્‍વામીએ મંદિરનું સમાજમાં પ્રદાન અંતર્ગત પ્રેરક વકતવ્‍ય દ્વારા મંદિરનો મહિમા વર્ણવ્‍યો હતો. અંતે ખાતવિધિ ઉત્‍સવમાં સહયોગ આપનાર તેમજ ભૂમિદાનનાં યજમાનોનું પૂ. સંતો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(10:37 AM IST)