News of Thursday, 29th May 2025
ભાવનગરમાં ૨૫ લાખનાં દારૂ સાથે ૨ ઝડપાયા
ટ્રકમાં ૨૨૨ પેટી લઈને જતા હતા ત્યારે પોલીસ ત્રાટકીઃ રૂા.૪૦.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૯: ભાવનગર નજીક સણોદર ગામના પાટિયા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રૂ.૨૫.૨૬ લાખની કિંમતના વિદેશી દારૂની ૨૨૨ પેટી ભરેલ ટ્રક સાથે બે પરપ્રાંતીય શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મુભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સણોદર ગામના પાટિયા પાસેના જોધપુર બાડમેર દાલ બાટી ચૂરમા હોટલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક ઝડપી લીધો હતો.
પેરોલ ફર્લો સ્ક્વોડે તપાસ કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૬૨૨૮ બોટલ (૨૨૨ પેટી) વિદેશી દારૂ કિં.રૂ.૨૫,૨૬,૪૮૦/ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, ટ્રક તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪૦,૩૬,૪૮૦/ ના મુદ્દામાલ સાથે સત્યનારાયણ ઉર્ફે સુરેશ જીવારામ મેઘવાલ (રહે. ખેરણ ગામ, કુંભલગઢ રાજસ્થાન) અને શેતાનસિંગ શ્રવણ મીના (રહે. સરચીયા ચારણ તા. જહાજપુર, જિ.ભીલવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો લાલસીંગ દલિંગસિંગ રાજપૂત (રહે. ખેરા, કુંભલગઢ,રાજસ્થાન) એ મોકલ્યો હોવાનું અને વિદેશી દારૂનો આ જથ્થો રાજદીપસિંહ નાથુભા સરવૈયા (રહે. પસવી, તા. તળાજા) ને આપવાનો હોવાનું જણાવતા તમામ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. (રર.૮)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
