<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગોંડલના વોરાકોટડામાં રાજેશભાઇ સાકરીયાની હત્‍યામાં કાકા-કાકી સહિત ચારની ધરપકડ

ખેતરમાં જગ્‍યા દબાવવાનો મામલો લોહીયાળ બન્‍યોઃ પોલીસે ગણત્રીના કલાકોમાં ચારેયને ઝડપી લીધા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.ર૯: વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને આઘેડની હત્‍યા કરનાર કાકા-કાકી સહિત ચારેયની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા (ઉ.વ ૪૫) અને તેના પુત્ર અનિલ સાકરિયા (ઉ.વ ૨૩) પર રાત્રીના દોઢેક વાગે  તેમના પિતાની વાડીએ હતા ત્‍યારે રમેશભાઇના કાકા ચીનુ જીણાભાઇ સાકરીયા તેના પત્‍નિ સવિતાબેન, પુત્ર અજય ઉર્ફ ટીટો તેની પત્‍નિ  હેતલે ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા છરીનાં ચાર થી પાંચ ઘા  રાજેશભાઇ ને લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. પુત્ર અનિલને પણ છરીનાં લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્‍યામાં પલટાયો હતો. જ્‍યારે ઇજાગ્રત અનિલ સાકરિયાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો હતો.

બનાવ અંગે મળતક રાજેશભાઈનાં પુત્ર અનિલે પોલીસ ફરિયાદમાં ચિનુ જીણા સાકરીયા તેના પત્‍નિ સવિતાબેન તેનો પુત્ર અજય ઉર્ફ ટીટો તથા તેની પત્‍નિ હેતલબેનનાં નામ આપી જણાવ્‍યુ કે રાત્રીનાં મારા દાદા નાથાભાઈ ની વાડીનાં  સેઢા પાસે આરોપીઓ દ્વારા બે ફુટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપતા ઉશ્‍કેરાયેલા આરોપીઓ ગત રાતે મારા દાદાની વાડીએ જઈ અપશબ્‍દો બોલી જગડો કરી રહ્યા હતા.તેની જાણ મારા પિતાને થતા હું અને મારા પિતા દાદા ની વાડીએ પંહોચ્‍યા હતા.અને સમજાવવા જતા અમારી ઉપર છરીથી હુમલો કર્યો હતો. રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે જ્‍યારે અજય ઉર્ફ ટીટો તેનો ભાઇ છે. ગોંડલ તાલુકાના પી.આઇ. એ.ડી. પરમાર તથા સ્‍ટાફે હત્‍યા કરનાર કાકા-કાકી અને  પિતરાઇ ભાઇ-ભાભી સહિત ચારેયને ગણત્રીના કલાકોમાં જ પકડી પાડી ધરપકડ કરી હતી.

(11:58 AM IST)