<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

માળીયાના મોટા દહીસરા ગામે યુવાન પર ફાયરિંગમાં મોટો ખુલાસો :ખુદ ફરિયાદીએ જ પોતાના પર ફાયરીંગ કરાવ્યું'તું

દેણું વધી જતા લેણદારોથી બચવા માટે તરુણભાઈએ આરોપી પરેશ ઉઘરેજા મારફતે આરોપી મક્સુદનો સંપર્ક કરી રૂપિયા 3 લાખમાં ફાયરિંગ કરાવવા નક્કી કરી એડવાન્સમાં દોઢ લાખ અને એક પિસ્તોલ તેમજ ત્રણ કારતુસ આપી ફાયરિંગ કરાવ્યું

મોરબી જીલ્લા માળીયા તાલુકા ના મોટાં દહીંસરા ગામે ગત તા.21 મેના રોજ  રેલવે ફાટક નજીક મોરબીના જાણીતા બિલ્ડરના પુત્ર તરુણ હંસરાજભાઇ ગામી ઉ.વ.46 રહે.અવની ચોકડી મોરબી વાળા ઉપર એક અજાણ્યા શખ્સે ગાડીનો કાચ ખોલાવી ફાયરિંગ કરી ઇજા પહોંચાડી હોવાનો બનાવ નોંધાયો હતો. જો કે,આ રહસ્યમય ઘટનામાં મોટો ઘટાડો કર્યો છે માળીયા મિયાણા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીણવટભરી તપાસ શરૂ કરી હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે જ બાતમીદારોના નેટવર્કને કામે લગાડતા ફાયરિંગ કરનાર એક શખ્સ તેમજ તેના સાથીદાર એમ બે શખ્સની મહત્વની કડી મળી ગઈ હતી.

વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયરિંગના આ ચકચારી બનાવમાં આરોપી પરેશ ગોપાલભાઈ ઉઘરેજા રહે.પંચાસર રોડ, મોરબી અને આરોપી મકસુદ મહંમદભાઇ નકુમ રહે.જુના બસસ્ટેન્ડ નામના શખ્સને અટકાયતમાં લઈ આગવી ઢબે પૂછપરછ કરતા બન્ને શખ્સોએ ચોંકાવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે, ભોગ બનનાર તરુણભાઇ હંસરાજભાઇ ગામી ઉપર દેણું વધુ ગયું હોવાથી લેણદારોથી બચવા માટે તરુણભાઈએ આરોપી પરેશ ઉઘરેજા મારફતે આરોપી મક્સુદનો સંપર્ક કરી પોતે જ રૂપિયા 3 લાખમાં ફાયરિંગ કરાવવા નક્કી કરી એડવાન્સમાં દોઢ લાખ રૂપિયા અને એક પિસ્તોલ તેમજ ત્રણ કારતુસ આપી ફાયરિંગ કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી ક્રાઇમબ્રાન્ચે આરોપી પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા, એક પિસ્તોલ તેમજ 25,500ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરી બન્ને આરોપીઓને અટકાયતમાં લીધા છે. બનાવ અંગે વધુ તપાસ હાલમાં માળીયા મિયાણા પીઆઇ આર .સી. ગોહીલ ચલાવી રહ્યા છે. રહસ્યોના આટાપાટા સર્જતી આ ઘટનામાં હાલમાં ક્રાઇમબ્રાન્ચે બિલ્ડર પુત્રના કાવતરાને ખુલ્લું પાડતા આવનાર દિવસોમાં બિલ્ડર પુત્ર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય તેમ હોવાના સંકેત મળી રહ્યા છે

(7:06 PM IST)