News of Thursday, 29th May 2025
જામનગરમાં ફરજ પરના પીજીવીસીએલ લાઈનમેનનું હૃદય બેસી જતાં કરુણ નિધન : વીજ તંત્ર અને પરિવાર શોકમગ્ન!
કનસુમરા ગામમાં કામગીરી દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવતાં 50 વર્ષીય દિનેશભાઈ વાઘેલાનું મૃત્યુ : નિવૃત્ત ASI મોટાભાઈએ પોલીસને જાણ કરી

(મુકુંદ બદીયાણી દ્વારા) , જામનગર : જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલના ગ્રામ્ય વિભાગની કચેરીમાં ફરજ બજાવતા એક વીજ કર્મચારીનું ગઈકાલે કનસુમરા ગામમાં ચાલુ ફરજ દરમિયાન એકાએક હૃદય બંધ પડી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ આઘાતજનક ઘટનાથી વીજ તંત્રના અન્ય સ્ટાફમાં તેમજ મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકના મોટાભાઈ, જેઓ જામનગરના નિવૃત્ત એ.એસ.આઈ. છે, તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસે રહેતા અને જામનગરના પોલીસબેડામાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પોલીસ અધિકારી તુલસીભાઈ લખુભાઈ વાઘેલાના નાના ભાઈ દિનેશભાઈ લખુભાઈ વાઘેલા (ઉ.વ. 50) જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના ગોકુલનગર સબ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. ગત 24મી તારીખે તેઓ પોતાના અન્ય સાથી કર્મચારીઓ સાથે કનસુમરા ગામના મહાજન વાસ વિસ્તારમાં વીજ કામગીરી કરી રહ્યા હતા.
ફરજ દરમિયાન જ દિનેશભાઈને એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓ બેશુદ્ધ બન્યા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા વીજ કર્મચારીના અન્ય સ્ટાફમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ, નિવૃત્ત પોલીસ અધિકારી ટી.એલ. વાઘેલાએ પોલીસને જાણ કરી હતી. પંચકોષી બી. ડિવિઝનના એએસઆઈ વાય.વી. જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વીજ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન આકસ્મિક નિધન થવાથી જામનગરના સમગ્ર વીજ તંત્રમાં શોકનો માહોલ છવાયો છે, અને તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
