News of Thursday, 29th May 2025
જામનગર જિલ્લા પોલીસે 'અસામાજિક તત્વો' સામે 'હદપારી'નું શસ્ત્ર ઉગામ્યું : એક ઇસમને જિલ્લાબહાર મોકલાયો!
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચના બાદ કડક કાર્યવાહી : અલીયા ગામના કિશન વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ જોતા લેવાયો નિર્ણય : ગુનાખોરી ડામવા પોલીસ કટિબદ્ધ

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : જામનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર (IPS) દ્વારા અપાયેલી સૂચના બાદ જામનગર પોલીસે સક્રિય કાર્યવાહી કરી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) તથા જામનગર ગ્રામ્ય વિભાગના અધિક પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની સૂચનાને પગલે એક ગુનાહિત ઇસમને જિલ્લાબહાર હદપાર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અંતર્ગત, પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ અને એ.એસ.આઈ. જયપાલસિંહ વિરભદ્રસિંહ જાડેજા દ્વારા હદપારીની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ અને પોલીસ અધિક્ષક મારફતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બી.એ. કાલરીયા, જામનગર ગ્રામ્ય વિભાગ સમક્ષ મોકલવામાં આવી હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જામનગર ગ્રામ્યના આદેશથી સંબંધિત ઇસમને જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવાનો હુકમ કર્યો હતો.
હદપાર કરાયેલ ઇસમ અને તેનો ગુનાહિત ઇતિહાસ:
આ હુકમ હેઠળ, કિશનભાઈ ભરતભાઈ વાઘેલા, રહે. અલીયા ગામ, મેઇન બજાર, મસ્જીદની બાજુમાં, તા.જી. જામનગરને હદપાર કરવામાં આવ્યો છે. તેનો ગુનાહિત ઇતિહાસ નીચે મુજબ છે:
* લાલપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. 11202036230386: આઇ.પી.સી કલમ 395, 456, 504, 506(2) તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ.
* પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. 11202045240371/2024: ઇ.પી.કો. કલમ-323, 325, 506(2), 114, તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ.
* પંચકોષી 'એ' પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન- 11202045241070/2024: બી.એન.એસ. કલમ- 352, 351(2), 54 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ.
આદેશ મળ્યા બાદ, એ.એસ.આઈ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ મંગળસિંહ ઝાલા તથા જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ કિશન વાઘેલાને જામનગર જિલ્લાની હદ બહાર મોકલી આપવા તજવીજ કરી છે.
ઉપરોક્ત કામગીરી પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પરમાર તથા એ.એસ.આઈ. જે.વી. જાડેજા તથા એન.બી. જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ મંગળસિંહ ઝાલા તથા જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પાર પાડવામાં આવી હતી. જામનગર પોલીસ અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે કટિબદ્ધ હોવાનું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
