<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

સીબીલ સુધારી બેંક લોન મેળવવા ૧૦૦ કરોડના બોગસ બિલ બનાવનાર દિલ્હીના બે વ્યાપારી જેલ હવાલે

ગાંધીધામ ડીજીજીઆઈ દ્વારા કડક કાર્યવાહી બાદ બેવડો ૨૦૦ કરોડનો દંડ ફટકારવાની તજવીજ, ફેક બીલ દ્વારા બેંકમાં મોટી રકમનો આર્થિક વ્યવહાર દર્શાવી લોન લેવાની મોડસ ઓપરેન્ડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  નીરવ મોદી અને મેહુલ ચોકસીની જેમ ફેક કંપનીઓ ઊભી કરી આપસમાં માત્ર ઓન પેપર બીલ બનાવી બેંકમાં નાણાકીય વ્યવહાર બતાવી કંપનીઓનું સીબીલ સુધારી મોટી રકમની બેંક લોન લેવાની મોડ્સ ઓપરેન્ડી ચર્ચામાં છે.ત્યારે ગાંધીધામ ડીજીજીઆઈએ ગાંધીધામમાં અને દિલ્હીમાં વ્યાપારી પેઢી ધરાવતા બે વ્યાપારીને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. વરસૂલ ઇમ્પેક્ષના માલિક વરુણ ટંડન અને એડમ સ્મિથ પ્રા.લી. કંપનીના આશિષ વાસુદેવ મદન સામે ડીજીજીઆઈએ ફેક બીલ બનાવી માલ વેચાણ કર્યા વગર બીલ બનાવી અને જીએસટી ભરી ઓન રેકોર્ડ મોટું ટર્ન ઓવર દર્શાવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં ૧૦૦ કરોડ રૂ.ની જંગી હેરાફેરી થઈ હોવાનું ખુલ્યું હતું. સીબીલ રેકોર્ડ ઉભો કરવાનું અને બેન્કમાંથી મોટી નાણાકીય રકમની લોન લઈ ફ્રોડ કરવાનું ષડયંત્ર હોવાનું માની તેમની સામે આકરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ડીજીજીઆઈ કાયદા હેઠળ ડબલ રકમ ૨૦૦ કરોડનો દંડ ફટકારી શકે છે. આ માટે ની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇનપુટ ક્રેડિટ મેળવવાની તપાસ જીએસટી હેઠળ થઈ રહી છે.

(12:04 PM IST)