<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

પોરબંદરઃ ચોમાસામાં દરિયામાં નહાવાની મજાને બદલે સલામતીને મહત્વ આપો

દરિયાકાંઠે પ્રશાસન દ્વારા મુકવામાં આવેલા સુરક્ષા માર્ગદર્શન બોર્ડને વાંચીને ગંભીરતા રાખવા અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાનો અનુરોધ

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : હાલ ભર ઉનાળે માવઠાના વરસાદ પડી રહ્યા છે,અરબી સમુદ્રમાં બનેલી સીસ્ટમને કારણે સમુદ્રમાં અસ્થિરતા જોવા મળી રહી છે,મોજા ઉચા ઉછળી રહ્યા છે,દરિયો રફ બની ગયો હોય છે ત્યારેે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના રાદેવભાઇ મોઢવાડીયા દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે આ રફ દરિયામા લોકોએ નહાવા માટે ન જવું જોઈએ,આપનો અમુલ્ય જીવ જોખમમાં મુકાઈ શકે છે.તાજેતરમાં જ એક યુવાન દરિયામાં નહાવા જતા તેનું મોત નીપજ્યું છે,ત્યારે ખાસ સલામતી સાથે સતર્કતા રાખવી જરૃરી છે. ચોમાસામાં દરિયામાં મજા લેવાને બદલે સલામતીને પ્રાથમિકતાને મહત્વ આપવુ જોઇએ.

 હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,ચોમાસામાં દરિયાની લહેરો અનિયમિત અને જોરદાર હોય છે. ઊંચી લહેરો અને અણધાર્યા ભરતી-ઓટ આવે છે, જે નાહવા જતા લોકોને દરિયાની અંદર ખેંચી લઈ શકે છે.આવી પરિસ્થિતિમાં તરવાનું કઠિન બની જાય છે અને જીવ જોખમમાં પડી શકે છે.ચોમાસામાં દરિયાની ગતિ અનિયંત્રિત હોવાથી ડુબવાની ઘટનાઓ વધુ થાય છે.

ખાસ કરીને બાળકો અને તરવામાં નિષ્ણાંત ન હોય તેવા લોકો માટે આ સમયે દરિયામાં નાહવું ખતરનાક સાબિત થઈ શકે છે.ચોમાસામાં અચાનક આવતા તુફાન અને વાવાઝોડાની સંભાવના વધી જાય છે.આવી પરિસ્થિતિમાં દરિયાકિનારે હોવું જોખમભર્યું હોય છે, કારણ કે ઊંચી લહેરો અને તીવ્ર હવા લોકોને દરિયામાં ખેંચી શકે છે. 

અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન દરિયાકિનારે ચેતવણી બોર્ડ, લાલ ફ્લેગ અને જાહેરાતો દ્વારા લોકોને નાહવા ન જવા અપીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત, ખાસ કરીને ખતરનાક વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.ચોમાસા દરમિયાન લાઇફગાર્ડ્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને વધુ સક્રિય રાખવામાં આવે છે.તેઓ દરિયાકિનારે લોકોને સલાહ આપે છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓ બનાવવામાં આવી છે, જેમાં ચોમાસા દરમિયાન દરિયાકિનારે સુરક્ષા માટે ખાસ પગલાં સામેલ હોય છે.  (૩.૮)

(11:32 AM IST)