<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મોરબી મનપાની રચના બાદ એકપણ બાંધકામની મંજૂરી કે ઈમ્પેક્ટ પ્લાન પાસ ન થતાં કમિશનરને રજૂઆત

મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા ઝડપથી કામગીરી કરે અને તાત્કાલિક બાંધકામની મંજૂરી અને ઈમ્પેક્ટ પ્લાન પાસ કરે તેવી માગણી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી મનપાની રચના બાદ એકપણ બાંધકામની મંજૂરી કે ઈમ્પેક્ટ પ્લાન પાસ ન થતાં કમિશનરને રજૂઆત કરાઈ છે 

રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી મહાનગરપાલિકા બની તેને 5 મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે. તેમ છતાં આજદિન સુધીમાં એકપણ બાંધકામ માટેની અરજી પાસ કરવામાં આવી નથી. અને હજી ડીપી બહારના વિસ્તાર માટે 8-9 મહિના જેટલો સમય રાહ જોવી પડશે ત્યારબાદ જ મંજૂરી મળવાનું ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. આમ 14-15 મહિના સુધી એક બાંધકામ ડીપી વિસ્તારની બહાર ન થાય તે યોગ્ય નથી. મહાનગરપાલિકા વેરો ઉઘરાવે છે. સીલ મારી જાય છે. રોડના કામ થાય છે. જે વિસ્તારમાં બાંધકામ તોડી પાડવાની મંજૂરી આપવામાં આવે છે તો તે વિસ્તારમાં તમે બાંધકામ કરવા માટે મંજૂરી કેમ આપવામાં નથી આવતી તેવો સવાલ ઉઠાવાયો છે. સામાન્ય માણસને ઘરનું ઘર બનાવવું હોય તો શું દોઢ વર્ષ સુધી રાહ જોવી પડશે ? મળતી માહિતી પ્રમાણે 2600 જેટલી અરજીમાંથી 1700-1800 જેટલી અરજીઓ આજદિન સુધીમાં દફ્તરે કરી નાખવામાં આવી છે. આટલી અરજીઓ દફ્તરે કરી પણ હજુ સુધી એકપણ પાસ કરવામાં નથી આવી. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા ઝડપથી કામગીરી કરે અને તાત્કાલિક બાંધકામની મંજૂરી અને ઈમ્પેક્ટ પ્લાન પાસ કરે તેવી માગણી કમિશનર સમક્ષ કરવામાં આવી છે.


 

(12:38 AM IST)