હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં ડી.પી. રોડ માટે મેગા ડિમોલિશન : સ્મશાનથી ગાંધીનગર સુધીના 3.5 કિમી રસ્તા માટે 331 બાંધકામો પર બુલડોઝર ફર્યું!
વધુ પહોળા રસ્તા માટે મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી : વિપક્ષી કોર્પોરેટર સહિત અનેકની અટકાયત : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, શનિવાર, 31 મે, 2025: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે એક મોટું ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વિકાસ નકશા (ડી.પી. પ્લાન) હેઠળ નિર્ધારિત 12 મીટર પહોળા અને 3.5 કિલોમીટર લાંબા રસ્તાના નિર્માણ માટે આજે વહેલી સવારથી જ બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સ્મશાનથી ગાંધીનગર સુધીના રસ્તામાં નડતરરૂપ કુલ 331 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલિશન માટે 15 જેસીબી, 4 હિટાચી સહિતની આધુનિક મશીનરી તૈનાત કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિપક્ષી કોર્પોરેટર સહિત અનેકની અટકાયત:
આ ડિમોલિશન કાર્યવાહીનો વિરોધ કરવા માટે પહોંચેલા લોકો અને સ્થાનિક આગેવાનોને પોલીસે અટકાવ્યા હતા. જેમાં વોર્ડ નંબર 4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી.
શહેરના આ મહત્વપૂર્ણ રસ્તાના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે. જોકે, આ કાર્યવાહીથી અસરગ્રસ્ત થયેલા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કે વળતર અંગે શું પગલાં લેવાશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. મહાનગરપાલિકા દ્વારા આ વિકાસ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે કમર કસવામાં આવી છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
