News of Saturday, 31st May 2025
વાડીનાર કોસ્ટ ગાર્ડ કોલોની પર 'હવાઈ હુમલા'નું સિમ્યુલેશન : દેવભૂમિ દ્વારકા તંત્રએ 'ઓપરેશન શિલ્ડ' હેઠળ રાહત-બચાવ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી!
સાંજે 5 વાગ્યે સાયરન વાગતા જ નાગરિકોએ આશ્રય લીધો : ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા : જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા ચકાસાઈ!

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની રેસિડેન્શિયલ કોલોનીમાં આજે સાંજે એક ગંભીર કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરીને "ઓપરેશન શિલ્ડ" હેઠળ એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો હેતુ હવાઈ હુમલા જેવી અણધારી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓની ત્વરિત પ્રતિભાવ અને રાહત-બચાવ કામગીરીની સજ્જતા ચકાસવાનો હતો.
સાઇરન વાગતા જ નાગરિકો સુરક્ષિત સ્થળે:
અંદાજિત બપોરે પાંચ કલાકે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફત વાડીનાર સ્થિત કોસ્ટ ગાર્ડ રેસિડેન્શિયલ કોલોની પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. આ જાણકારી મળતાની સાથે જ તાત્કાલિક સાયરન વગાડીને જાહેર જનતાને હવાઈ હુમલો થવા અંગેની જાણકારી અપાઈ હતી. સાયરનનો અવાજ સાંભળતાની સાથે જ વાડીનારના નાગરિકોએ ત્વરિત નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવી લીધો હતો, જે દર્શાવે છે કે જનજાગૃતિ અને તાલીમનું સ્તર ઊંચું છે.
યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી:
હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર સતર્ક મોડ પર આવી ગયું હતું. સી.આઈ.એસ.એફ., કોસ્ટ ગાર્ડ, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.
હુમલાના પરિણામે આગ લાગતા ગણતરીના સમયમાં જ ફાયર તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિત ઘટના સ્થળે આવી પહોંચી હતી. વિવિધ ટીમોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. આ આપત્તિના સમયે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાડીનાર પ્રાથમિક શાળા ખાતે એક હંગામી હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી, જ્યાં ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 16 જેટલા નાગરિકો કાલ્પનિક રીતે ઘાયલ થયા હતા, જેમને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયના નિર્દેશ, રાત્રિ બ્લેકઆઉટ:
નોંધનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રિલ યોજાઈ હતી. આ મોકડ્રિલની સફળતા બાદ, વાડીનાર અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના 7:45 થી 8:30 સુધી બ્લેકઆઉટ (પ્રકાશ બંધ) પણ કરવામાં આવશે, જે આવા ઇમરજન્સી સંજોગોમાં અનુસરવામાં આવતી પ્રોટોકોલનો એક ભાગ છે. આ કવાયત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
