<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

જૂનાગઢ રેલ્‍વે સ્ટેશન 225 કરોડ રૂપિયાના ખર્ચે બનશે આધુનિક

આગામી ૩-૪ મહિનામાં ટેન્‍ડર પ્રક્રિયા થશેઃ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશેઃ પ્‍લેટફોર્મ લાંબુ કરાશે, બ્રીજ બનાવાશેઃ લોકલ થીમ ઉપર થશે કાયાપલટ

જુનાગઢઃ નવાબીકાળના  જૂનાગઢ રેલ્વે સ્ટેશનનું અંદાજે 225 કરોડના ખર્ચે રિડેવલોપમેન્ટની કામગીરી માટે આગામી ચારેક મહિના પછી ટેન્ડરીંગ પ્રક્રિયા શરુ થશે. કામ શરુ થયા પછી બે વર્ષમાં નવું રેલ્વે સ્ટેશન આધુનિક બની જશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે.

વેસ્ટર્ન રેલ્વેની ઝેડઆરયુસીસી કમિટીના સભ્ય સંજય પુરોહિતે જણાવ્યું કે, જૂનાગઢનું રેલ્વે સ્ટેશન નવાબના વખતથી જાગીર છે. જે રેલ્વે લાઈન મળી તેને ઘણા વર્ષો થયા છે જેને રિડેવલોપમેન્ટ માટે વડાપ્રધાન દ્વારા પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશના અનેક જુના રેલ્વે સ્ટેશનને નવા બનાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે જૂનાગઢ રેલ્વે સ્ટેશન અંદાજે 225 કરોડના ખર્ચે રિડેવલોપમેન્ટ કરાશે. જેનો ડીપીઆર મંજુર કરી દેવામાં આવ્યો છે.

આગામી ત્રણથી ચારેક મહિનામાં ટેન્ડરીંગ કરવામાં આવશે. બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મુખ્યત્વે અહીં રેલ્વે સ્ટેશનની પાયાની સગવડતા જેમાં ખાસ કરીને પ્લેટફોર્મની લંબાઈ ટૂંકી છે. જેથી લાંબી ટ્રેન આવે તો ટ્રેનના ડબ્બા પ્લેટફોર્મની બહાર નીકળી જાય છે. જેથી મુસાફરોને ટ્રેનમાં ચડવા-ઉતરવા માટે તકલીફ પડે છે.

23 કોચની લાંબી ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી શકે તેવા લાંબા 550થી વધુ મીટરના પ્લેટફોર્મ બનાવવામાં આવશે. બંને બાજુ એક્ઝિટ વિન્ડો અને ટિકિટ બારી બનશે. જોશીપરા બાજુ પણ એક્ઝિટ અને ટિકિટ વિન્ડો બનાવવામાં આવશે. પ્લેટફોર્મની સુવિધા સાથે બ્રિજ બનશે. ખાસ કરીને પ્રવાસી ટ્રેનની સાથે ગુડ્ઝ ટ્રેન માટેનું પ્લેટફોર્મ બનશે. આખું રેલ્વે સ્ટેશન લોકલ થીમ ઉપર બનાવવામાં આવશે.

(3:51 PM IST)