તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 2nd June 2025
જુનાગઢમાં ‘‘પદ્મશ્રી'' દિવાળીબેન ભીલની પ્રતિમાનું સ્થાપન
દિવાળીબેનને યુગો સુધી અમર રાખવાનો સંકલ્પ હાર્દિક હુંડિયા પરિવાર દ્વારા સાકાર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. રઃ ગુજરાતના લોકગાયિકા અને પદ્મશ્રી પુરસ્કળત દિવાળી બેન ભીલના જન્મદિવસે, આજે ૨ જૂને, જૂનાગઢ ખાતે દિવાળીબેન ભીલની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. તેમની પ્રતિમા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી હતી અને બસ સ્ટેન્ડ ચોકમાં સ્થાપિત કરવામાં આવી હતી. જેનું નામ ‘‘દિવાળી બેન ભીલ ચોક'' રાખવામાં આવશે.
આ પ્રતિમાનું અનાવરણ ગત ૧૯ મેના રોજ મુંબઈમાં સ્ટાર રિપોર્ટ મેગેઝિનની ઓફિસમાં હીરા માણેક ગ્રૂપના સ્થાપક હાર્દિક હુંડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઓફિસને દિવાળી બેનના લોકપ્રિય ગીત ‘‘મારે ટોડલે બેઠો મોર''ની થીમથી સજાવવામાં આવી હતી. ૨ જૂને સવારે ૧૦-૩૦ વાગે વણઝારી ચોકથી બેન્ડવાજા અને બગી સાથે શોભાયાત્રા યોજાઇ હતી. જે બપોરે ૧૨-૩૦ વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચી પ્રતિમા સોંપાઇ હતી.
હાર્દિક હુંડિયા અને સુનિતા હુંડિયાએ માતળ વંદના કાર્યક્રમ દરમિયાન દિવાળીબેનના પગ દૂધથી ધોઈ સન્માન કર્યું હતું. હાર્દિકભાઈએ જણાવ્યું કે દિવાળી બેનને મળતાં તેમને ભગવાન રામના ભક્ત શબરીનો અનુભવ થયો. તેમણે આ પ્રતિમા દ્વારા દિવાળી બેનને યુગો સુધી અમર રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સ્વ. હેમુ ગઢવીના પુત્ર બિહારી ગઢવીએ જણાવ્યું કે, તેમના પિતાએ વણઝારી ચોકમાં દિવાળી બેનનો અવાજ સાંભળી તેમની શોધ કરી અને રાજકોટ આકાશવાણીથી તેમની સંગીત યાત્રા વિશ્વવિખ્યાત બની. પદ્મશ્રી હેમંત ચૌહાણ, લોકગાયક મંગલ ચૌહાણ, પંકજ દવે, માલદે આહીર, ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારશી બરેડીયા, ડો. નિર્મળદાન ગઢવી, અમુદાન ગઢવી, માયાભાઇ આહીર, હેમંત લાખાણી, રાજુ ભટ્ટ, પાલુભાઈ ગેલવા સહિતના કલાકારોએ આ પહેલને બિરદાવી હાર્દિક હુંડિયા અને હીરા માણેક ગ્રૂપને શુભેચ્છા પાઠવી.
આ પવિત્ર કાર્યને સફળ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર ધર્મેશભાઈ પોસીયા, કોર્પોરેટર બાલાભાઈ રાડા અને દિવાળી બેનના ભત્રીજા વિજયભાઈ ભીલનો સહયોગ પ્રશંસનીય છે. આ પ્રતિમા ગુજરાતી લોકસંસ્કળતિ અને દિવાળી બેનના યોગદાનને અમર રાખશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
