News of Monday, 2nd June 2025
જામનગરના સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે પર્યાવરણ સુરક્ષા અને બાળ મનોરંજનના સંયોજનરૂપ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ એ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી પતંગિયા આકર્ષતા છોડનું વાવેતર કરાયું

જામનગર, 2 જૂન: જામનગરમાં પર્યાવરણ સંરક્ષણ અને બાળકોના મનોરંજનના અનોખા સમન્વય સાથે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, જામનગરના પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ એ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જામનગર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગર દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોર્મલ રેન્જ, જામનગર સાથે સંકલન સાધીને યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના મનોરંજન માટે કુદરતી વાતાવરણ પૂરું પાડવાનો હતો. આ હેતુને ખાસ ધ્યાનમાં રાખીને, વાવેતર કરાયેલા છોડ એવા પ્રકારના હતા જે ખાસ કરીને પતંગિયાઓને આકર્ષિત કરે છે. આનાથી બાળકોને પ્રકૃતિ સાથે જોડાવાનો અને પતંગિયાઓની રંગીન દુનિયાનો આનંદ માણવાનો અવસર પ્રાપ્ત થશે.
આ પ્રસંગે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય ધવલ નાખવા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ તેમજ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગરના કર્મચારીઓ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોર્મલ રેન્જ જામનગરના કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાળકો અને ઉપસ્થિત સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
